તો હવે વિરાટ કોહલી T20 World Cupની પહેલી મેચ નહીં રમે?


27 મે, મુંબઈ: વિરાટ કોહલી T20 World Cupની ટીમ ઇન્ડિયાની પહેલી મેચ નહીં રમે. એક રિપોર્ટ અનુસાર વિરાટ ટીમ ઇન્ડિયાના બીજા બેચ સાથે ન્યૂયોર્ક નહીં જાય પરંતુ તે બે દિવસ પછી રવાના થશે. ભારતીય ટીમનો પહેલો બેચ પરમદિવસે એટલેકે 25મી મેની મોડી રાત્રિએ મુંબઈથી રવાના થઇ ગયો છે જ્યારે બીજો બેચ પણ જલ્દીથી રવાના થશે.
રિપોર્ટ અનુસાર વિરાટ કોહલીએ BCCIને જણાવ્યું છે કે તે કૌટુંબિક કારણોસર અમેરિકા જવા મોડો રવાના થશે. BCCIએ વિરાટની આ વિનંતી માની લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલીએ હજી વિસા માટે પણ એપ્લાય નથી કર્યું અને જ્યારે વિરાટ BCCIને કહેશે ત્યારે તેના વિસાની અરજી અમેરિકન કોન્સ્યુલેટમાં દાખલ કરવામાં આવશે.
સામાન્યતઃ ખેલાડીઓને સ્પોર્ટ્સ ટુર્નામેન્ટના આધારે વિસા મળવામાં કોઈજ તકલીફ નથી પડતી, ઉપરાંત જે તે સ્પોર્ટ્સ બોડી ખેલાડી વતી આ વિસાની અરજી કરતી હોય છે. એવું જાણવા મળી રહ્યું છે કે વિરાટ કોહલી 30 મેએ અમેરિકા જવા રવાના થશે.
જો આ રિપોર્ટ સાચા હોય તો તેનો મતલબ એ હશે કે વિરાટ ભારતની એક માત્ર T20 World Cupની વોર્મઅપ મેચ જે બાંગ્લાદેશ સામે રમાવાની છે તેને મીસ કરશે. જો કે ભારત આ વર્લ્ડ કપની પોતાની પહેલી મેચ આયરલેન્ડ સામે 5મી જૂને ન્યૂયોર્કમાં રમશે.
આ અગાઉ પણ વિરાટ કોહલી ઘણી વખત કૌટુંબિક કારણોસર ટીમ ઇન્ડિયા માટે રમી શક્યો નથી. 2021માં ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝની એક મેચ રમીને વિરાટ તેના પ્રથમ બાળકના જન્મ સમયે ભારત પરત આવી ગયો હતો.
આ વર્ષે જ્યારે ઇંગ્લેન્ડ સામે અતિશય મહત્વની પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમાઈ હતી ત્યારે પણ વિરાટ પોતાના બીજા બાળકના જન્મ માટે સમગ્ર સિરીઝથી અળગો રહ્યો હતો. જોકે આ સિરીઝ બાદ તુરંત શરુ થયેલી IPL 2024ની તમામ મેચો માટે વિરાટ પોતાની ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે ઉપલબ્ધ રહ્યો હતો.
આ વખતે વિરાટ કેમ મોડો રવાના થવાનો છે અને તેની પાછળ કયું કૌટુંબિક કારણ જવાબદાર છે તે ખબર પડી નથી પરંતુ એક અટકળ પ્રમાણે વિરાટ કોહલી હજી પણ એલિમિનેટરમાંથી RCBની રવાનગીના શોકમાંથી બહાર આવી શક્યો નથી.