23 વર્ષના યુવકના નાકમાંથી નીકળ્યો બાળપણમાં ફસાયેલો પાસો, 20 વર્ષથી સહન કરતો હતો દુખાવો


બેઇજિંગ, તા.30 નવેમ્બર, 2024: ચીનના ઝિયાનના એક 23 વર્ષીય વ્યક્તિએ તાજેતરમાં તેના નાકમાં બે દાયકાથી અટવાયેલા પાસાને દૂર કરવા માટે સર્જરી કરાવી હતી. ઝિયાઓમા નામનો વ્યક્તિ લગભગ એક મહિનાથી સતત છીંક અને નાક વહેવાથી પીડાતો હતો. જે બાદ તેને ડૉક્ટર પાસે જવું પડ્યું હતું.
ડૉક્ટરોએ શરૂઆતમા એલર્જી હોવાનું કહ્યું
ઝિયાઓએ પરંપરાગત ચાઇનીઝ દવા દ્વારા રાહત મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ ફરક ન પડ્યો. જ્યારે સારવારથી રાહત ન મળી ત્યારે તેઓ ગાઓક્સિન હોસ્પિટલમાં ગયા, જ્યાં ડોકટરોને જાણવા મળ્યું કે તેમને એલર્જી છે. જો કે, વધુ તપાસમાં એક અલગ વાત બહાર આવી. ઓટોલેરીંગોલોજિસ્ટ ડૉ. યાંગ દ્વારા કરવામાં આવેલી એન્ડોસ્કોપીમાં ઝિયાઓમાના નાકમાં કઈંક ફસાયેલું હોવાનું જાણવા મળ્યું હતું.
ઑપરેશન દરમિયાન મોતની પણ શક્યતા હતી
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના એક અહેવાલ અનુસાર, ડોકટરોએ એન્ડોસ્કોપી દરમિયાન નાકમાં ઢંકાયેલી એક નાની, સફેદ વસ્તુ શોધી કાઢી હતી. જ્યારે તેને બહાર કાઢવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તે બે સેન્ટિમીટરનો પાસો હતો, જે લાંબા સમય સુધી ઝિયાઓમાના નાકમાં અટવાઇ જવાને કારણે આંશિક રીતે કટાઈ ગયો હતો. ડૉ. યાંગે કહ્યું, પાસો નાકની પેશીઓમાં અટવાઇ ગયો હતો, અને તેને દૂર કરવો જોખમી હતો. જો કંઈ પણ ગડબડ થાય તો મોતની પણ શક્યતા હતી.
ઝિયાઓમા માને છે કે જ્યારે તેઓ માત્ર ત્રણ કે ચાર વર્ષનો હતા ત્યારે તેના નાકમાં પાસો ઘૂસી ગયો હશે. રમતી વખતે તેણે સંભવિત પરિણામોને સમજ્યા વિના તેને દાખલ કર્યું હોઈ શકે છે. વર્ષોથી પાસો નાકમાં હોવાથી છેલ્લા થોડા અઠવાડિયાથી સ્થિતિ ગંભીર બની રહી હતી. જેથી સર્જરી કરવી પડી હતી. પાસો ઝિયાઓમાના નાકમાં સ્નાયુઓ સાથે ચોંટી ગયો હતો.
આ પણ વાંચોઃ મહેસાણામાં ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો