‘પઠાણ’ ફિલ્મને લઇને વિરોધ ઉગ્ર, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે CM અને રાજ્યમંત્રીને પત્ર લખીને કરી રજૂઆત
ગુજરાતમાં ‘પઠાણ’ ફિલ્મને લઇને વિવાદ ખૂબ વકર્યો છે. ફિલ્મ રીલીઝ થાય તે પહેલા ફિલ્મને બેન કરાવવા માટે લોકો દ્વારા માંગ કરવામા આવી રહી છે. આ ફિલ્મને લઇને દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. અગાઉ અનેક લોકો દ્વારા અને સંગઠનો દ્વારા આ ફિલ્મને લઇને વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે આજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આ ફિલ્મને રિલીઝ અટકાવવા માટે CM અને રાજ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.
બોલીવુડ ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ થાય તે પહેલા અનેક વિવાદોમાં સપડાઇ છે. આ ફિલ્મનું એક ગીત બેશરમ.. બહાર આવતા જ દેશભરમાં હોબાળો મચી ગયો છે. આ ગીતમાં દિપીકા પાદુકોણના પહેરેલા પોશાકને કારણે તથા ગીતમાં આવતા કેટલાક શબ્દોને કારણે લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મની સાથે અભિનેત્રી દિપીકા પાદુકોણ અને બોલીવુડ અભીનેતા શાહરુખ ખાનનો પણ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પત્ર લખી કરી રજૂઆત
આ ફિલ્મનો વિરોધ હવે ઉગ્ર બનતો જાય છે. ઠેર ઠેર લોકો દ્વારા આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘએ CM અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી પઠાણ ફિલ્મને રિલીઝ ન કરવા માટે માંગ કરી છે. સાથે જ આ ફિલ્મમાં અશ્લીલતાનું વરવુ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને ગુજરાતમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવા માટે માંગ કરી છે. અને સાથે જ સોશિયલ મીડિયા સહિત દરેક પ્લેટફોર્મ પર ફિલ્મ અને તેના દ્રશ્યો ન બતાવવામાં આવે તેવી પણ માગ કરી છે.
હિન્દુ સેનાએ પઠાણ ફિલ્મ રિલિઝ ન કરવા કરી માગ
‘પઠાણ’ ફિલ્મનો વિરોધ દેશભરમાંથી ઉઠી રહ્યો છે. ત્યારે હિન્દુ સેના દ્વારા પણ ગુજરાત સરકારને ‘પઠાણ’ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ ન કરવાની કરવામાં આવી હતી. તેમજ સેન્સર બોર્ડમાંથી જ આ ફિલ્મને મંજૂરી ન આપવામાં આવે તેવી માગ પણ કરી હતી. ત્યારે હવે આ વિરોધના વંટોળ વચ્ચે આ ફિલ્મ રિલીઝ થશે કે નહી તે જોવું રહ્યું.
આ પણ વાંચો :જીત મેળવ્યા બાદ આપના ધારાસભ્ય એક્શન મોડમાં, હોસ્પિટલની બેદરકારીનો કર્યો પર્દાફાશ