

વડોદરામાં રખડતા ઢોરના ત્રાસ બાદ હવે કુતરાઓ લોકોને રંજાડી રહ્યાં છે. શહેરમાં ગાયો બાદ શ્વાનના ત્રાસથી નાગરિકો પરેશાન થઈ ગયા છે. ત્યારે સમતા વિસ્તારમાં એક શ્વાને પાંચ મહિનાની બાળકી પર હુમલો કર્યો હતો. સમતા વિસ્તારમાં આવેલ વૈકુંઠ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરના ટેનામેન્ટમાં ઘરમાં ઊંઘતી માત્ર પાંચ મહિનાની બાળકી પર કૂતરાએ હિંસક હુમલો કર્યો હતો. કૂતરાએ બાળકીનું માથું ફાડી નાખ્યું હતું અને તેનું લોહી ચાટી રહ્યું હતું. જોકે માતાને નજર પડતાં ભારે જહેમત બાદ તે પોતાની વહાલસોયી બાળકીને બચાવી હતી. બાળકીને હાલ ગંભીર હાલતમાં ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
મા પાણી ભરવા ગઈ અને કુતરાએ બાળકીને ફાડી ખાધી
સમતા વિસ્તારના વૈકુંઠ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરના ટેનામેન્ટમાં રહેતા આશિષ ભરતભાઇ ટેલર એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છું. જ્યારે તેમના પત્ની હાઉસવાઈફ છે. આશિષભાઈના જણાવ્યા મુજબ જ્યારે તેમની પત્ની 5 મહિનાની દીકરી જાન્વીને ઘરમાં ઘોડિયામાં સૂવડાવી ઘરની બાજુમાં નળમાં પીવાનું પાણી ભરવા માટે ગઇ હતી. આ દરમિયાન ઘરની જાળી ખુલ્લી રહી ગઇ હતી. જેથી રખડતું કૂતરું ઘરમાં આવી ગયું હતું.
બાળકીને 15 ટાંકા
ઘરમાં આવી ગયેલા કૂતરાએ ઘોડિયામાં ઉંઘી રહેલી મારી માસૂમ દીકરી પર હુમલો કર્યો હતો અને તેનું માથું ફાડી નાખ્યું હતું. પાણી ભરવા ગયેલી આશિષભાઈની પત્ની પાંચ મિનિટમાં તો પાછી આવી ગઇ હતી. ઘરમાં આવી તેણે જોયું તો એ ગભરાઇ જ ગઇ જે બાદ માએ હિંમત કરીને કુતરાને ભગાડાવી કોશીશ કરી. પરંતું કુતૂરું ત્યાંથી ન હટ્યું ત્યારે માએ હિંમત કરીને દીકરીને તેડી ઘરમાંથી બહાર નિકળી ગઈ હતી.

જે બાદ પાંચ મહિનાની જાન્વીને સારવાર માટે ગોત્રી મેડિકલ હોસ્પિટલ લઈ જવામા આવી હતી, જ્યાં તેના માથામાં 15 જેટલા ટાંકા આવ્યા છે. હાલ જાન્વીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે.
વડોદરામાં કુતરાનો આતંક વધી ગયો છે

વડોદરા શહેર અને જિલ્લામાં કુતરાઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. વડોદરા નજીક આવેલા સુંદરપુરા ગામમાં ગત મે મહિનામાં ઘરની પાછળ સાત વર્ષની બાળકી રમી રહી હતી. દરમિયાન ધસી આવેલા કૂતરાએ તેના ઉપર હુમલો કર્યો હતો અને બાળકીના હાથના અંગુઠાને કાપી ખાધો હતો. કુતરાએ અંગૂઠો કાપી ખાતા પરિવાર તુરંત જ બાળકીને સયાજી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. જ્યાં તેની તબીબો દ્વારા સારવાર કરવામાં આવી હતી. ગત મે મહિનામાં વડોદરાના હરણી વિસ્તારમાં સવાદ ક્વાર્ટરમાં પાંચ લોકોને કૂતરા કરડ્યા હતા.