ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મણિપુરમાં ફરી હિંસા ભડકી, બે જૂથો વચ્ચે ગોળીબારમાં 13 લોકોના મૃત્યુ

Text To Speech

મણિપુર, 04 ડિસેમ્બર: ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. મણિપુરના તેંગનોપલ જિલ્લાના લેતિથુ ગામ પાસે બે જૂથો વચ્ચે ગોળીબાર થયો હતો. ફાયરિંગની માહિતી મળતાં જ સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જ્યાંથી 13 મૃતદેહો મળી આવ્યા હતા. મૃતદેહો પાસે કોઈ હથિયારો મળ્યા નથી.

ઘટના સ્થળ પર હાજર અધિકારીએ આપી માહિતી

એક અધિકારીએ જણાવ્યું કે, ‘જિલ્લાના લેતિથુ ગામ પાસે બે જૂથો વચ્ચે ગોળીબાર થયો હતો. ફાયરિંગની માહિતી મળતાં જ અમારા સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા, જ્યાંથી અમે 13 મૃતદેહો બહાર કાઢ્યા. અમને મૃતદેહો પાસે કોઈ હથિયાર મળ્યા નથી’.

  • સૂત્રોનું કહેવું છે કે મૃતકો આ સ્થળના સ્થાનિક રહેવાસી જણાતા નથી. એવું લાગે છે કે આ લોકો બીજે ક્યાંકથી આવ્યા હતા અને ફાયરિંગમાં સામેલ હતા.

રિપોર્ટ અનુસાર જો કે હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. 3 ડિસેમ્બરે, ટેંગનોપલ જિલ્લામાં કુકી-જો આદિવાસી જૂથોએ ભારત સરકાર અને UNLEF વચ્ચે થયેલા શાંતિ કરારનું સ્વાગત કર્યું હતું.

રવિવારે જ મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો

સાત મહિના બાદ રવિવારે જ રાજ્યમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. જો કે, કેટલાક જિલ્લાના સરહદી વિસ્તારોમાં હજુ પણ પ્રતિબંધો ચાલુ છે.

અગાઉ 23 સપ્ટેમ્બરના રોજ થોડા સમય માટે ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હતો, પરંતુ અપ્રિય ભાષણ અને નફરત ફેલાવતા વીડિયો સંદેશાને રોકવામાં મદદ કરવા માટે તેને 26 સપ્ટેમ્બરના રોજ પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો.

7 મહિનાથી સળગી રહ્યું છે મણિપુર

મૈતેઇ સમુદાયની અનુસૂચિત જનજાતિ (ST) દરજ્જાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં આદિવાસી એકતા કૂચનું આયોજન કરવામાં આવ્યા બાદ 3 મેના રોજ ફાટી નીકળેલી હિંસામાં 180થી વધુ લોકો માર્યા ગયા હતા. મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા મૈતેઇ લોકો છે. તેઓ મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે. તેવી જ રીતે, આદિવાસીઓ 40 ટકા છે, જેઓ મુખ્યત્વે પહાડી જિલ્લાઓમાં રહે છે. જેમાં નાગા અને કુકીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: તમિલનાડુ-આંધ્રમાં વાવાઝોડાની અસરથી ચારેબાજુ તારાજી, 5 ડિસેમ્બરે ત્રાટકશે ‘માઈચોંગ’

Back to top button