ઢાકા, 14 ઓગસ્ટ : બાંગ્લાદેશમાં ફેલાયેલી અરાજકતા વચ્ચે લઘુમતી હિન્દુ સમુદાયના લોકોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. દેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ હિંસા રોકવાની વાત કરી રહ્યા છે, પરંતુ હવે ફરી એકવાર હિન્દુ પરિવાર પર હુમલાના સમાચાર સામે આવ્યા છે. ઉત્તર-પશ્ચિમ બાંગ્લાદેશમાં તોફાનીઓએ એક હિન્દુ પરિવારના ઘરમાં આગ લગાવી દીધી છે. નોંધનીય બાબત એ છે કે આ હિન્દુ પરિવાર કોઈ રાજકીય સંગઠન સાથે સંકળાયેલો ન હતો.
લક્ષ્યાંકિત આગની ઘટના
મળતી માહિતી મુજબ, ઠાકુરગાંવ સદર ઉપજિલ્લાના અક્કા યુનિયન હેઠળના ફરાબાદી મંદિરપારા ગામમાં મંગળવારે સાંજે એક હિન્દુ પરિવારના ઘરમાં આગ લગાડવાની આ ઘટના બની હતી. નિશાન બનાવી આગ ચાંપવાની ઘટના સામે આવી છે. નજીકના લોકોએ જણાવ્યું કે અજાણ્યા લોકોએ ગામમાં કલેશ્વર બર્મનના ઘરને આગ લગાવી દીધી. સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરી આગને કાબૂમાં લીધી હતી અને ઘરમાં રહેતા લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. વિસ્તારના પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું હતું કે પોલીસે તે જ રાત્રે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી, અને ગુનેગારોને ઓળખવાના પ્રયાસો ચાલુ છે.
અત્યાર સુધીમાં 278 હુમલા થયા છે
બાંગ્લાદેશમાં નેશનલ હિન્દુ ગ્રાન્ડ એલાયન્સે દાવો કર્યો છે કે 5 ઓગસ્ટે શેખ હસીનાની આગેવાની હેઠળની સરકાર પડી ત્યારથી બાંગ્લાદેશના 48 જિલ્લાઓમાં 278 સ્થળોએ તેમના પર હુમલા અને ધમકીઓ આપવામાં આવી છે. સંગઠને તેને હિન્દુ ધર્મ પર હુમલો ગણાવ્યો છે. સંગઠને એમ પણ કહ્યું કે કલેશ્વર બર્મન કે જેમના ઘરને આગ લગાડવામાં આવી હતી તેનો કોઈ રાજકીય સંગઠન સાથે કોઈ સંબંધ નથી.
આ પણ વાંચો :કોલકાતાની મૃતક ડૉક્ટર સાથે ગેંગરેપની શંકા, શરીરમાંથી મળ્યો વીર્યનો મોટો જથ્થો