ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Video : મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાન મુદ્દે હિંસા ફાટી નીકળી

પરભણી, 11 ડિસેમ્બર : મહારાષ્ટ્રના પરભણીમાં બુધવારે બંધારણના અપમાન મામલે અપાયેલા બંધના એલાન વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. પથ્થરમારો અને આગચંપીની ઘટના બાદ આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, પરભણીમાં આજે (બુધવારે) બંધનું એલાન આપવામાં આવ્યું છે. બંધને ધ્યાનમાં રાખીને દરેક જગ્યાએ મોટા પાયે પોલીસ તૈનાત છે. પરંતુ આ દરમિયાન આંબેડકરની પ્રતિમાની સામે બંધારણના પ્રતીકાત્મક પુસ્તકને ફાડવાના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓએ સૂત્રોચ્ચાર કર્યા અને ટાયર સળગાવીને પરભણી નાંદેડ હાઈવે બ્લોક કરી દીધો હતો. દેખાવકારોએ પથ્થરમારો કર્યો હતો અને આગ ચાંપી હતી. હિંસામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

અનેક વાહનો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે. તોફાનીઓ અને પોલીસ સામસામે છે. રાયોટ કંટ્રોલ પોલીસ અને એસઆરપીએફ તૈનાત કરવામાં આવી છે. આંદોલનકારીઓની માંગ છે કે જેઓ બંધારણનું અપમાન કરે છે તેમને ફાંસી આપવામાં આવે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે.

હિંસક ટોળાએ બસમત રોડ અને ખાનપુર ફાટા પર આગચંપી કરીને મોટી સંખ્યામાં વાહનોને નુકસાન પહોંચાડ્યું છે. શહેરના મુખ્ય બજારો જેવા કે સ્ટેશન રોડ, ગાંધી પાર્ક, શિવાજી ચોક વગેરેમાં દુકાનો આગળ પથ્થરમારો અને વાહનો સળગાવવાના બનાવો બન્યા છે. આ તોફાનીઓએ શહેરમાં દુકાનોના સાઈનબોર્ડને મોટાપાયે નુકસાન પહોંચાડ્યું છે. તોફાનીઓએ લાકડીઓ અને પથ્થરો ફેંકીને દુકાનની સામે લાગેલા સીસીટીવી તોડી નાખ્યા હતા.

હિંસા કેવી રીતે શરૂ થઈ?

પરભણીમાં હિંસા ત્યારે શરૂ થઈ જ્યારે સોપાન દત્તારાવ પવાર (45) નામના વ્યક્તિએ મંગળવારે શહેરમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સામે મૂકેલી બંધારણની પ્રતિકૃતિને કથિત રીતે ફાડી નાખી હતી. આ સમાચારની જાણ થતાં જ શહેર વ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

વંચિત બહુજન અઘાડીના પ્રમુખ પ્રકાશ આંબેડકરે કહ્યું કે, પરભણીમાં બાબાસાહેબની પ્રતિમા પર જાતિવાદી મરાઠા હિંસા કરનારાઓ દ્વારા ભારતના બંધારણને તોડવામાં આવ્યું તે એકદમ શરમજનક છે. આ પ્રથમ વખત નથી. બાબાસાહેબની પ્રતિમા કે દલિત ઓળખના પ્રતિકની તોડફોડ કરવામાં આવી છે. VBA પરભણી જિલ્લાના કાર્યકર્તાઓ પ્રથમ સ્થળ પર પહોંચ્યા અને તેમના વિરોધને કારણે પોલીસે FIR દાખલ કરી અને એક બદમાશની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :- ICC ટેસ્ટ રેન્કિંગમાં ઉથલપાથલ : જો રૂટે ગુમાવ્યું પ્રથમ સ્થાન, જાણો કોણ આવ્યું

Back to top button