ખીચોખીચ મુસાફરો ભરી જતી ડીસા-થરા બસમાં કોવિડ ગાઈડ લાઈનનો ભંગ
પાલનપુર: બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા અને વિધાર્થીઓના હિતમાં ખાસ કોવિડ ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે.કોવિડ અંતર્ગત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તો વિધાર્થીઓના હિત માટે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને લઈને જતાં વાહનોને પરમિટથી વધારે વિધાર્થીઓને વાહનોમાં બેસાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પરંતુ જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો અનાદર ડીસાનો એસ.ટી. વિભાગ કરી રહ્યો છે.
શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જગ્યાજ મળતી નથી
ડીસાથી થરા વાયા ઝાબડિયા થઈને પસાર થતી બસમાં પણ કલેક્ટરના જાહેરનામાનો ભંગ જોવા મળ્યો હતો. આ બસમાં મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીઓના જણાવ્યાનુસાર એક જ બસમાં ૧૦૦ કરતાં પણ વધારે મુસાફરો ભરેલા હતા. બસમાં બેસવાની પણ જગ્યા ના મળતા વિદ્યાર્થીઓને મહામુસીબતે મુસાફરી કરવાની નોબત આવી હતી.આ ઘટનાને પગલે આ બસમાં મુસાફરી કરી રહેલા જિગર માળીએ કલેક્ટરના જાહેરનામાનો ભંગ અટકાવવા માટે બસમાથી ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. અને જે રીતે બસમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ થઈ રહ્યો હતો તે અંગે એસ.ટી.નિગમ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઘટનામાં એસ.ટી.વિભાગે પોતાની ભૂલ કબુલ કરીને સુધારવાના બદલે ઉલ્ટા વિદ્યાર્થીઓને ધમકી આપવાનો પ્રયાસ કર્યો. અને આ ઘટના મીડિયામાં પ્રસારિત ના થવા દેવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે એસ.ટી.નિગમની કેટલી હદ સુધીની આ દાદાગીરી છે કે, વિધાર્થી ભયભીત બની ગયો હતો.. એસ.ટી.નિગમ વિધાર્થી પર કેસ કરવાની ધમકી આપી રહ્યું છે. ત્યારે મહત્વની વાત એ છે કે શું એસ.ટી.બસમાં પરમિટ કરતાં વધારે વિદ્યાર્થીઓ નહોતા…? શું એસ.ટી. બસમાં કોવિડની ગાઈડલાઇનનું પાલન થતું હતું..? આ તમામ પ્રશ્નોના જવાબ આપવાના બદલે પોતાની ભૂલ ઢાંકવાનો એસ.ટી.નિગમ પ્રયાસ કરી રહ્યું છે. તે ખૂબ જ શરમજનક વાત છે. ત્યારે આ બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામાના ભંગ બદલ એસ.ટી.નિગમ પર પગલાં લેવા જોઇયે. નહિતર જિલ્લા કલેક્ટરના જાહેરનામાને આગામી સમયમાં સામાન્ય જનતા પણ ગંભીરતાથી લેશે નહીં.