ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બંધારણનું ઉલ્લંઘન: ઓફિસમાંથી રજા ન મળી તો SC પહોંચેલી માતા પર CJIની ટિપ્પણી

  • સુપ્રીમ કોર્ટે આ મુદ્દે નીતિગત નિર્ણય લેવા હિમાચલ પ્રદેશના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો 

નવી દિલ્હી, 23 એપ્રિલ: દિવ્યાંગ બાળકની માતાએ તેના પુત્રની સાર-સંભાળ રાખવા માટે ઓફિસમાંથી રજા ન મળતાં સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, મહિલાએ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, માતાને બાળ સંભાળ રજા(Child Care Leave) આપવાનો ઇનકાર કરવો એ કર્મચારીઓમાં તેમની સમાન ભાગીદારી સુનિશ્ચિત કરવાની સરકારની બંધારણીય ફરજનું ઉલ્લંઘન થશે. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેંચે દિવ્યાંગ બાળકોની કામ કરતી માતાઓને ચાઈલ્ડ કેર લીવ (CCL) આપવાના મુદ્દે નીતિગત નિર્ણય લેવા હિમાચલ પ્રદેશના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

 

કોર્ટે કહ્યું કે, “અરજીમાં ‘ગંભીર’ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને કર્મચારીઓમાં મહિલાઓની ભાગીદારી વિશેષાધિકારની બાબત નથી પરંતુ બંધારણીય જરૂરિયાત છે અને સરકાર, એક આદર્શ નોકરીદાતા તરીકે, તેનાથી અજાણ રહી શકે નહીં. સુપ્રીમ કોર્ટે આ કેસમાં કેન્દ્રને પક્ષકાર બનાવવાનો પણ આદેશ આપ્યો છે. બેંચે નિર્ણય આપવામાં એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીની મદદ માંગી હતી.

બાળ સંભાળ રજા એક મહત્વપૂર્ણ બંધારણીય ઉદ્દેશ્ય પૂરો પાડે છે: SC

આ દરમિયાન, કોર્ટે હિમાચલ પ્રદેશના અધિકારીઓને CCLની ગ્રાન્ટ અંગેની અરજી પર વિચાર કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. અરજદાર મહિલા રાજ્યમાં ભૂગોળ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. તેમનો પુત્ર એક આનુવંશિક રોગથી પીડિત છે અને જન્મથી જ તેની અનેક સર્જરીઓ થઈ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘બાળ સંભાળ રજા એક મહત્વપૂર્ણ બંધારણીય ઉદ્દેશ્ય પૂરો પાડે છે, જ્યાં મહિલાઓને વર્કફોર્સમાં સમાન તક આપવાના અધિકારથી ઇનકાર કરવામાં આવતો નથી.’કોર્ટે કહ્યું કે, આવી રજાનો ઇનકાર કરવાથી કામ કરતી માતાને નોકરી છોડવાની ફરજ પડી શકે છે અને ખાસ જરૂરિયાતો ધરાવતા બાળકોની માતાઓ માટે આ વધુ મહત્ત્વપૂર્ણ છે.

કોર્ટે રાજ્ય સરકારને CCL અંગેની તેની નીતિમાં સુધારો કરવા માટે તેને વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ, 2016ને અનુરૂપ બનાવવા નિર્દેશ આપ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્ય સચિવ ઉપરાંત, સમિતિમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ અધિકારી તેમજ સમાજ કલ્યાણ વિભાગના સચિવનો સમાવેશ થશે અને તેણે 31 જુલાઈ સુધીમાં CCL મુદ્દે નિર્ણય લેવાનો રહેશે.

આ પણ જુઓ: શું બાલાકોટ એરસ્ટ્રાઈક પછી ભારતીય દળો મોટા યુદ્ધ માટે તૈયાર હતા? જાણો પૂર્વ એરફોર્સ ચીફે શું કહ્યું

Back to top button