પેરિસથી ભારત આવી વિનેશ ફોગાટ, દિલ્હી એરપોર્ટ પર કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત
- ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધા બાદ આજે સ્વદેશ પરત ફરી છે, જેમાં દિલ્હી એરપોર્ટની બહાર ચાહકોએ તેમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું છે
દિલ્હી, 17 ઓગસ્ટ: પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 50 કિગ્રા કુસ્તીની ગોલ્ડ મેડલ મેચ પહેલા 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે અયોગ્ય જાહેર કરાયેલી ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ આજે સવારે દેશ પરત ફરી છે. દિલ્હી એરપોર્ટથી બહાર આવ્યા બાદ ત્યાં આવેલા ચાહકોએ વિનેશનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જ્યારે ગોલ્ડ મેડલ મેચ પહેલા વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી ત્યારે ભારતીય ઓલિમ્પિક એસોસિએશને તેની સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. આ બાબતના સંદર્ભમાં વિનેશે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટસને પણ વહેંચાયેલ સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી હતી, પરંતુ તેમની અરજી 14 ઓગસ્ટની સાંજે CAS દ્વારા ફગાવી દેવામાં આવી હતી.
હું અહીં આવેલા દરેકનો આભાર માનું છું: વિનેશ ફોગાટ
પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈને વિનેશ ફોગાટ જ્યારે સ્વદેશ પરત આવી ત્યારે તેનું સ્વાગત જોઈને તે ભાવુક થઈ ગઈ હતી અને તેણીએ કહ્યું હતું કે હું તમામ દેશવાસીઓનો આભાર માનું છું અને મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું. વિનેશનું દેશમાં એક ચેમ્પિયનની જેમ સ્વાગત કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ગોલ્ડ મેડલ મેચ પહેલા અયોગ્ય જાહેર થયા બાદ વિનેશે કુસ્તીમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.
અહીં જૂઓ સ્વાગતનો વીડિયો:
#WATCH | Indian wrestler Vinesh Phogat says, “I thank all the countrymen, I am very fortunate.”
She received a warm welcome at Delhi’s IGI Airport after she arrived here from Paris after participating in the #Olympics2024Paris. pic.twitter.com/6WDTk8dejO
— ANI (@ANI) August 17, 2024
એરપોર્ટની બહાર આવ્યા બાદ ભાવુક થઈ ગઈ વિનેશ ફોગાટ
દિલ્હી એરપોર્ટની બહાર વિનેશ ફોગાટનું સ્વાગત કરવા માટે બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને અન્ય ઘણા કુસ્તીબાજો પણ ત્યાં હાજર હતા. આ સિવાય વિનેશના પરિવારના સભ્યો પણ હાજર હતા, જેમાં તેના ભાઈ હરિન્દર પુનિયાએ ANIને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, જે લોકો કુસ્તી અને રમતના ચાહક છે તેઓ આજે એરપોર્ટ પર વિનેશનું સ્વાગત કરવા આવ્યા છે. આ ઉપરાંત વિનેશના સ્વાગત માટે ઘરે ઘરે તૈયારીઓ ચાલી રહી છે. તે ભલે ઓલિમ્પિક મેડલ જીતી શકી ન હોય પરંતુ અમે વધુ મહેનત કરીશું જેથી તે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતી શકે. જ્યારે વિનેશ એરપોર્ટની બહાર આવી ત્યારે ચાહકોનું આ પ્રકારનું સ્વાગત જોઈને તે પોતાના આંસુ રોકી શકી ન હતી.
આ પણ વાંચો: વિનેશ ફોગાટનો સન્યાસ લેવા અંગે યુ-ટર્ન ! 2032માં પણ રમશે ઓલિમ્પિક ?