આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગપેરિસ ઓલિમ્પિક 2024વર્લ્ડસ્પોર્ટસ

ફાઈનલ માટે ડિસક્વૉલિફાય થયાના સમાચાર સાંભળતાં જ વિનેશ ફોગટ થઈ બેહોશ, હોસ્પિટલમાં દાખલ

Text To Speech

પેરિસ, 7 ઓગસ્ટઃ ભારતીય કૂસ્તીબાજ વિનેશ ફોગટને ઓલિમ્પિક્સની ફાઇનલ માટે ગેરલાયક ઠેરવવામાં આવતા વ્યક્તિગત રીતે વિનેશ માટે તેમજ દેશ માટે આઘાતજનક ઘટનાક્રમ સર્જાયો છે.

પોતે ગેરલાયક ઠરી છે એવા સમાચાર મળતાં જ વિનેશ બેહોશ થઈ ગઈ હતી અને તેને પેરિસમાં તત્કાળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

બીજી તરફ, ભારત સરકાર પણ આ મુદ્દે સક્રિય થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ બાબતે અંગત રસ લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ પીટી ઉષા સાથે ફોન પર વાત કરી હતી અને શક્ય તમામ ઉપાય કરવા અને ઓલિમ્પિક સમિતિ સમક્ષ વિનેશનો કેસ મજબૂત રીતે રજૂ કરવા સૂચના આપી હતી.

આ અગાઉ, આજે સવારે પેરિસમાં 50 કિલોગ્રામ કૂસ્તીની ઈવેન્ટ શરૂ થાય તે પહેલાં નિયમ મુજબ સ્પર્ધકોનાં વજન કરવામાં આવ્યા ત્યારે ભારતીય ચેમ્પિયન વિનેશ ફોગાટનું વજન નિયમ કરતાં વધુ નોંધાયું હતું. 50 કિલોની સામે વિનેશનું વજન 100 ગ્રામ વધુ હોવાથી ઓલિમ્પિક સમિતિએ તેને ફાઇનલ માટે ગેરલાયક જાહેર કરી દીધી હતી.

વિનેશ ફોગાટ ગેરલાયક ઠરી છે એ સમાચાર મળતાં જ પેરિસમાં ભારતીય ખેલાડીઓ ઉપરાંત સમગ્ર ભારતમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું.

સમાચાર મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ વિનેશ ફોગાટને પ્રાત્સાહક શબ્દો દ્વારા આશ્વાસન આપ્યું હતું. પરંતુ ત્યારબાદ તેમણે ભારતીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ પીટી ઉષા સાથે પેરિસમાં વાત કરી હતી અને ભારત તરફથી જે કોઈ વિકલ્પો હોય તે ચકાસવા સૂચના આપી હતી. તેમણે પીટી ઉષાને જણાવ્યું હતું કે, તેઓ જે પ્રયાસ કરશે તેમાં ભારત સરકાર તેમની સાથે છે.

દરમિયાન આ મુદ્દે દેશની લોકસભામાં પણ સભ્યોએ ઊહાપોહ કર્યો હતો. કેટલાક સાંસદોએ ઓલિમ્પિકનો જ બહિષ્કાર કરી દેવાની વાત કરી હતી. મળતા અહેવાલ મુજબ, કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા બપોરે ત્રણ વાગ્યે આ મુદ્દે લોકસભામાં નિવેદન આપશે.

આ પણ વાંચોઃ વિનેશ ફોગાટ ફાઇનલમાં ડિસ્ક્વોલિફાય થતાં પીએમ પોતે થયા સક્રિય, જાણો શું કહ્યું?

Back to top button