વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિ કરી જાહેર, ટ્વીટ કરીને લખ્યું: હું હારી ગઈ…
- ઓલિમ્પિકની ગોલ્ડ મેડલ મેચમાંથી અયોગ્ય જાહેર થયા બાદ વિનેશ ફોગાટે મોટો નિર્ણય લીધો
નવી દિલ્હી, 8 ઓગસ્ટ: ભારતીય મહિલા રેસલર એથ્લિટ વિનેશ ફોગાટે આજે ગુરુવારે એક મોટો નિર્ણય લીધો છે અને ઓલિમ્પિકની ગોલ્ડ મેડલ મેચમાંથી અયોગ્ય જાહેર થયા બાદ કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે, જેની તેણે ટ્વિટ કરીને માહિતી આપી છે. વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ મેચ પહેલા 7 ઓગસ્ટના રોજ ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ફાઇનલ મેચ પહેલા, વિનેશનું વજન 100 ગ્રામની નિર્ધારિત મર્યાદા કરતાં વધી જતાં મેચ અધિકારીઓ દ્વારા તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 50 કિગ્રા ફ્રીસ્ટાઇલ રેસલિંગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ નિર્ણય બાદ વિનેશ ફોગટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હવે તેણે અચાનક એક મોટો નિર્ણય લઈને કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને તમામ ચાહકોને ચોંકાવી દીધા છે.
माँ कुश्ती मेरे से जीत गई मैं हार गई माफ़ करना आपका सपना मेरी हिम्मत सब टूट चुके इससे ज़्यादा ताक़त नहीं रही अब।
अलविदा कुश्ती 2001-2024 🙏
आप सबकी हमेशा ऋणी रहूँगी माफी 🙏🙏
— Vinesh Phogat (@Phogat_Vinesh) August 7, 2024
માઁ મારાથી કુસ્તી જીતી ગઈ હું હારી ગઈ
પોતાની નિવૃત્તિની જાહેરાત કરતા વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું, ” માઁ મારાથી કુસ્તી જીતી ગઈ હું હારી ગઈ. માફ કરજે, તારું સપનું, મારી હિંમત બધુ તૂટી ગયું છે, મારી પાસે આનાથી વધુ તાકાત નથી. ગુડબાય રેસલિંગ 2001-2024. હું હંમેશા આપ સૌની ઋણી રહીશ, માફી.” ઉલ્લેખનીય છે કે, વિનેશ ફોગાટે આ ઈવેન્ટમાં પોતાના શાનદાર પ્રદર્શનથી મેડલ ઈવેન્ટમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું, પરંતુ તેનું વજન માત્ર 100 ગ્રામ વધુ હોવાને કારણે તેને અયોગ્ય ઠેરવવામાં આવી હતી. વિનેશે પોતાનું વજન નિર્ધારિત મર્યાદા સુધી ઘટાડવા માટે ઘણા પ્રયત્નો પણ કર્યા હતા, જેમાં તેણે મેચની માત્ર એક રાત પહેલા જોગિંગ અને સાયકલિંગ પણ કર્યું હતું, પરંતુ તેમ છતાં તેનું વજન 100 ગ્રામ જેટલું રહી ગયું હતું.
વિનેશ ફોગાટે CASમાં કરી અપીલ
વિનેશ ફોગાટે પોતાની ગેરલાયકાત સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સમાં અપીલ કરી છે. ધી કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે રમતગમત સંબંધિત વિવાદોનું નિરાકરણ કરે છે. તેમનું મુખ્ય મથક સ્વિટ્ઝર્લેન્ડમાં છે અને તેની સ્થાપના 1984માં થઈ હતી. વિનેશ ફોગાટે CASને તેને સંયુક્ત સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી છે, જેના પર નિર્ણય 8 ઓગસ્ટે લેવામાં આવશે.
આ પણ જૂઓ: વિનેશ ફોગાટને ડિસક્વૉલિફાય કરવા પર કંગના રનૌતે આપી પ્રતિક્રિયા, કહ્યું- “રડશો નહીં…”