હાજીપુરમાં વિદ્યાર્થીનીઓ સાથે અશ્લીલ હરકત કરનારા શિક્ષકને ગ્રામજનોએ પ્રસાદ ચખાડ્યો
હાજીપુર, 2 એપ્રિલ: બિહારના હાજીપુરમાં સરકારી શાળાના શિક્ષકનું શરમજનક કૃત્ય પ્રકાશમાં આવ્યું છે. સરકારી શાળાના ગણિતના શિક્ષક પર આરોપ છે કે તે વર્ગખંડ બંધ કરીને વિદ્યાર્થીનીઓ સાથે અશ્લીલ હરકતો કરે છે. જ્યારે વિદ્યાર્થિનીઓએ આનો વિરોધ કર્યો તો તે શિક્ષક તેમને શાળામાંથી કાઢી મૂકવાની ધમકી આપતો હતો. પીડિત છોકરીઓએ જ્યારે તેમના વાલીઓને શિક્ષકની હરકત વિશે જણાવ્યું તો લોકો ગુસ્સે થઈ ગયા અને મોટી સંખ્યામાં ગ્રામજનો શાળાએ પહોંચ્યા અને આરોપી શિક્ષકને માર માર્યો અને શાળા પરિસરમાં ભારે હોબાળો કર્યો હતો. આ સિવાય ગ્રામજનોએ આરોપીને કેટલાક કલાકો સુધી બંધક પણ બનાવી રાખ્યો હતો.
પોલીસ સાથે ગ્રામજનોએ કરી ઝપાઝપી
ઘટનાનની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે લાલઘુમ થયેલા ગ્રામજનોએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. આ ઝપાઝપીમાં એક પોલીસ અધીકારીની બંદૂકમાંથી મેગેઝિન ગુમ થઈ હતી. ત્યારે પોલીસે સ્પેશિયલ ફોર્સ બોલાવી અને હોબાળો કરી રહેલા ગ્રામજનોને ઘટના સ્થળ પરથી ભગાડવામાં આવ્યા હતા. ગુમ થયેલી પોલીસ અધીકારીની બંદૂકની મેગેઝિન હજી પણ મળી નથી.
શિક્ષક ઘણા વર્ષોથી કરતો હતો ગંદા કામ
આ ઘટના હાજીપુરના ઔદ્યોગિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી ઈસુપુરની રાજકિશોર હાઈસ્કૂલમાં બની હતી. આરોપ છે કે ગણિતના શિક્ષક વિકાસ કુમાર 9મા અને 10મા ધોરણમાં ભણતી સ્કૂલની વિદ્યાર્થિનીઓ સાથે અશ્લીલ હરકતો કરતો હતો. શાળાની ઘણી વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે શિક્ષક ઘણા વર્ષોથી છોકરીઓ સાથે અશ્લીલ હરકતો કરતો હતો.
આ પણ વાંચો: કારમાં બેઠેલી મહિલા સાથે સ્કૂટર સવાર બદમાશોએ છેડતી કરી, VIDEO સામે આવતા પોલીસ એકશનમાં
પોલીસ અધિકારીની મેગેઝિન ગુમ
ઘટનાની માહિતી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિક પોલીસ સ્ટેશનના પ્રભારી રાજેશ રંજને જણાવ્યું કે માહિતી મળી હતી કે સ્કૂલમાં એક શિક્ષક દ્વારા એક છોકરીની છેડતી કરવામાં આવી હતી. જેના કારણે શાળામાં ગ્રામજનોએ હોબાળો કર્યો છે. ત્યાર બાદ અમે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીની બંદૂકમાંથી મેગેઝિન ગુમ થઈ ગઈ છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે.
આ પણ વાંચો: જાતીય સતામણી મામલે JNUની વિદ્યાર્થિની અનિશ્ચિત મુદતની હડતાળ પર, જાણો સમગ્ર મામલો