નેશનલ ડેસ્કઃ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં બે ભારે હથિયારોથી સજ્જ લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓને ગ્રામજનોએ પકડી પાડ્યા હતા. ત્યારબાદ તેમને પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા. એક સ્થાનિક અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને આ માહિતી આપી છે. પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી છે. હથિયારોથી હુમલો કરવાનો તેમનો ઈરાદો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
આ પહેલાં 1 જુલાઈએ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાંથી લશ્કર-એ-તૈયબા (LeT)ના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો પણ મળી આવ્યો હતો. પોલીસે શુક્રવારે આ અંગે માહિતી આપી હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે પોલીસે ગુરુવારે ખાસ નાકાબંધી કરી હતી. સનતનગર ચોક-રંગરેથ રોડ વિસ્તારમાં આવા જ એક ચેકપોઇન્ટ પર તપાસ દરમિયાન, સુરક્ષા દળોએ એક આતંકવાદીની ધરપકડ કરી હતી. તેની પાસેથી એક પિસ્તોલ અને કેટલીક ગોળીઓ પણ મળી આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા આતંકવાદી પાસેથી મળેલી માહિતીના આધારે શહેરના પમ્પોર વિસ્તારમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં વધુ એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી ત્રણ પિસ્તોલ અને અન્ય દારૂગોળો મળી આવ્યો છે.
આ પણ વાંચો
જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળને મોટી સફળતા, લશ્કરના ત્રણ આતંકવાદીઓની ધરપકડ