ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2024

પાટણ જિલ્લામાં થીમ આધારિત મતદાન મથકો સાથે ચૂંટણીની જોરદાર તૈયારી

  • જિલ્લામાં 4 મોડલ મતદાન મથક અને 1 યુવા સંચાલિત મતદાન મથક કાર્યરત કરાશે
  • જિલ્લામાં દરેક વિધાનસભા મતદાન વિભાગ દીઠ 7 મતદાન મથક એમ કુલ 28 મતદાન મથક માત્ર મહિલાઓ માટે બનાવવામાં આવશે

પાટણ, 1 એપ્રિલ: લોકશાહીમાં યુવાઓનો ફાળો મહત્વનો હોય છે. તેથી યુવાઓનો મત પણ એટલો જ મહત્વનો ગણાય છે. લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં યુવાઓ વધુને વધુ મતદાન કરે તેના માટે જિલ્લા વહીવટીતંત્ર પ્રયત્નો કરે છે. યુવાઓમાં મતદાનની ટકાવારી વધે તેના માટે મતદાનના દિવસે તેઓ માટે ખાસ યુવા સંચાલિત મતદાન મથકની વ્યવસ્થા પણ પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉભી કરવામાં આવશે. તદઉપરાંત જિલ્લામાં વિવિધ થીમ આધારીત મૉડલ બુથ પણ બનાવવામાં આવશે. જેમાં ઈકો ફ્રેન્ડલી મતદાન મથક, હેરીટેજ થીમ આધારીત મતદાન મથક ઉપરાંત વિવિધ થીમ આધારીત મતદાન મથક બનાવવામાં આવશે. તો બીજી બાજુ મહિલા મતદાતા માટે વિશેષ મતદાન બનાવવાની તૈયારીઓ કરવામાં આવી છે.

વિશેષ મતદાન મથકો અંતર્ગત મૉડલ મતદાન મથકો કરાશે તૈયાર

લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને ધ્યાનમાં રાખીને લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવાની કામગીરીથી લઈને અનેક મતદાન મથક તૈયાર કરવાની, મતદાન મથક પર તમામ બંદોબસ્તની કામગીરી વગેરે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ જિલ્લામાં ચૂંટણી સમયે લોકોમાં મતદાન કરવાનો ઉત્સાહ વધે તેના માટે વિશેષ મતદાન મથકો અંતર્ગત યુવા સંચાલિત મતદાન મથક અને મૉડલ મતદાન મથકો તૈયાર કરવામાં આવશે. જેમાં યુવાઓને આકર્ષવા માટે ખાસ 16-રાધનપુર મતદાર વિસ્તારમાં સરદારપુરા-1 ખાતે યુવા સંચાલિત મતદાન મથક ઉભુ કરવામાં આવશે. આ મતદામ મથક પર પોલીંગ અને સુરક્ષા કર્મચારીઓ સહિત તમામ ચૂંટણી સ્ટાફમાં ફક્ત યુવાઓ રહેશે. યુવા સંચાલિત મતદાન મથકોમાં યુવા કર્મચારીઓ ફરજ પર હાજર રહેશે. તદઉપરાંત 16-રાધનપુર, 17-ચાણસ્મા, 18-પાટણ અને 19-સિદ્ધપુર એમ ચાર મતદાર વિભાગ દીઠ 1 એમ કુલ 4 મોડલ બુથ પણ ઉભા કરવામાં આવશે. જે વિવિધ થીમ આધારીત મતદાન મથક રહેશે.

મહિલા મતદાતા માટે વિશેષ મતદાન મથકોની કરાશે રચના

જિલ્લામાં મહિલા મતદાતા માટે પણ વિશેષ મતદાન મથકોની રચના કરવામાં આવશે. 16-રાધનપુર, 17-ચાણસ્મા, 18-પાટણ, 19-સિદ્ધપુર ખાતે દરેક મતદાન વિભાગ દીઠ 7 મતદાન મથક એમ કુલ 28 મતદાન મથક માત્ર મહિલાઓ માટે બનાવવામાં આવશે. અહીં કુલ 28 સખી પોલીંગ સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં માત્ર મહિલા પોલીસ કર્મીઓ 24 કલાક તૈનાત રહેશે. મહિલા પોલીસ કર્મીઓ માટે રહેવા, જમવા અને સુવાની વ્યવસ્થા પણ પોલીંગ સ્ટેશન પર જ કરવામાં આવશે.

લોકસભા સામાન્ય ચૂંટણી-2024ના આ અવસરમાં વધુ ને વધુ મતદાન થાય અને દેશનો કોઈ પણ નાગરીક મતદાનથી વંચિત ન રહી જાય તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વિવિધ પ્રવૃતિઓ મારફતે લોકોને મતદાન કરવા માટે પ્રેરીત કરવામાં આવી રહ્યા છે. તેથી જિલ્લા વહીવટીતંત્ર પાટણ પણ આ રીતે જિલ્લાનો દરેક નાગરીક મતદાન કરીને લોકશાહીમાં સહભાગી બનીને પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવી શકે તેના માટે પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો: ઉમેદવાર કામ ન કરતો હોય કે યોગ્ય જવાબ ન આપે તો મને જાણ કરોઃ સી.આર.પાટીલ

Back to top button