રિન્યુએબલ એનર્જી-ગ્રીન હાઇડ્રોજન-માઇનીંગ-સ્ટીલ ક્ષેત્રે ગુજરાત સાથે ભાગીદારી કરશે વિયેતનામ
વિયેતનામના ભારત સ્થિત રાજદૂત યુત ગુયેન થાન્હ હાઇ એ ગાંધીનગરમાં લીધી હતી. આ સૌજ્ન્ય મુલાકાત બેઠક દરમ્યાન તેમણે ગુજરાત સાથે રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન તથા માઇનીંગ એન્ડ સ્ટીલ ક્ષેત્રે સહભાગીતા માટેની તત્પરતા દર્શાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્ય સરકારના જરૂરી સહયોગ માટે સકારાત્મક પ્રતિસાદ આપતાં કહ્યું કે ગુજરાત-વિયેતનામ વચ્ચે હાલ જે પરસ્પર વેપાર-વણજ નો સહયોગ છે તેને વધુ ગતિપૂર્વક આગળ લઇ જવા રાજ્ય સરકાર ઉત્સુક છે.
વિયેતનામના રાજદૂતની ગુજરાત મુલાકાત
ભૂપેન્દ્ર પટેલે વિયેતનામના રાજદૂતની ગુજરાતની આ પ્રથમ મુલાકાતમાં તેમને આવકારતા એમ પણ જણાવ્યું કે, ગુજરાતના પર્યટન-પ્રવાસન સ્થાનો, સ્ટેચ્યુ ઓફ યુનિટિ તથા મહત્વના ધાર્મિક સ્થળોની તેઓ અનુકુળતાએ અવશ્ય મુલાકાત લે. ઊદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતીમાં આ સૌજ્ન્ય મુલાકાત બેઠકની ચર્ચા દરમ્યાન વિયેતનામ રાજદૂતયુત ગુયેન થાન્હ હાઇ એ ગુજરાતમાંથી કપાસ, સુકી ડુંગળી, સુકુ લસણ તથા સી-ફૂડ ની વિયેતનામમાં નિકાસની વિપૂલ સંભાવનાઓ અંગે પણ વિસ્તૃત વિગતો આપી હતી.
આ બેઠકમાં શું ચર્ચા થઈ ?
આ બેઠકમાં એ વિષયે પણ ચર્ચા કરવામાં આવી હતી કે પાછલા કેટલાક વર્ષોમાં ગુજરાત-વિયેતનામ વચ્ચે પિપલ-ટુ-પિપલ કોન્ટેક્ટમાં વધારો થવાથી ગુજરાતના વધુ પ્રવાસીઓ વિયેતનામની મુલાકાતે જતા થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિયેતનામના ભારતસ્થિત રાજદૂત બંને એ આગામી સમયમાં આ પિપલ-ટુ-પિપલ કોન્ટેક્ટ વધુ વ્યાપક બનાવવા અંગે પણ ચર્ચા દરમ્યાન ભાર મુક્યો હતો. યુત ગુયેન થાન્હ હાઇ એ જણાવ્યું કે, ગુજરાતે ડિજીટલ ટ્રાન્સફોરમેશન અને એનર્જી જનરેશન સેક્ટરમાં જે મહારથ હાંસલ કરેલી છે તેમાંથી વિયેતનામને ઘણું શિખવા મળી શકે તેમ છે. વિયેતનામ રાજદૂતે ગુજરાત-વિયેતનામ વચ્ચે સિસ્ટર સિટી રિલેશન માટે વિચારની દિશામાં પણ આ સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં પ્રસ્તાવ કર્યો હતો.
આ બેઠમાં ઉપસ્થિત મહાનુભાવો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં જણાવ્યું કે ગુજરાતમાં એવું ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ એન્વાયરમેન્ટ છે કે એકવાર ગુજરાત સાથે વેપાર-ઊદ્યોગમાં સહભાગીતા કરનારા દેશો પછી ગુજરાત સિવાય કયાંય જતા નથી. વિયેતનામ રાજદૂતે પણ રાજ્યના સર્વગ્રાહી વિકાસની સરાહના કરતાં આ બાબતનું સમર્થન કર્યુ હતું. આ સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની, ઊદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા તેમજ વિયેતનામના ઓનરરી કોન્સ્યુલર સૌરિન શાહ વગેરે ઉપસ્થિત હતા.
આ પણ વાંચો : હોળી માટે GSRTC એ શરૂ કરી વિશેષ બસ સેવા, જાણો તમામ અપડેટ