Video: વિરાટ કોહલીએ એકાએક રમત અટકાવી દીધી, જૂઓ શું થયું મેદાન પર?
પર્થ, 24 નવેમ્બર, 2024: પર્થમાં આજે ત્રીજા દિવસની રમત દરમિયાન ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ એક ઘટના પછી એકાએક રમત થોડા સમય માટે અટકાવી દીધી હતી. વાસ્તવમાં કોહલીએ સિક્સ ફટકારી પછી થોડી ક્ષણ બાદ તેનું ધ્યાન પડ્યું કે, બાઉન્ડ્રી બહાર બેઠેલા સિક્યોરિટી ગાર્ડના માથામાં બૉલ વાગ્યો હતો અને ફિલ્ડિંગ કરી રહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ એ તરફ દોડી ગયા હતા. એ દૃશ્ય જોઈને કોહલીએ રમત અટકાવી દીધી હતી.
જૂઓ વીડિયો…
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટના ત્રીજા દિવસે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં મેચ ચાલી રહી હતી. મિશેલ સ્ટ્રેક મેચની 101મી ઓવર નાખી રહ્યો હતો અને કોહલીએ ઑફ સ્ટમ્પની બહાર જઈ રહેલા બૉલને ખૂબ સુંદર રીતે ફટકો માર્યો કે બૉલ બાઉન્ડ્રીની બહાર પહોંચી ગયો.
જોકે, એ જ સમયે દુર્ઘટના બની. બાઉન્ડ્રી બહાર બેઠેલા સુરક્ષા કર્મીના માથામાં બૉલ વાગ્યો. એ સમયે જોકે તત્કાળ તો કોહલીનું ધ્યાન પડ્યું નહોતું, પરંતુ ક્રિઝ પર પરત આવ્યો ત્યારે જોયું કે ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓ દોડીને એક જગ્યાએ ભેગા થયા છે અને મેડિકલ ટીમ પણ એ તરફ જઈ રહી છે ત્યારે કોહલીએ રમત અટકાવી દેવાનો ઈશારો કર્યો હતો. તેના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું કે, સિક્યોરિટી ઑફિસરને બૉલ વાગ્યો તેનાથી તે ખૂબ ચિંતિત છે.
ઘટના બાદ તરત જ ઓસ્ટ્રેલિયન ફિઝિયો ખૂબ ઝડપથી સલામતી અધિકારી પાસે પહોંચી ગયા હતા જેમને બૉલ વાગ્યો હતો અને ત્યાંજ પ્રાથમિક સારવાર આપવાનું શરૂ કરી દીધું હતું.
આ પણ વાંચોઃ ટેક્સ ફ્રી થતાં જ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના કલેકશનમાં આવ્યો ઉછાળો