વડોદરાઃ સરખેજ ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ ભારતીજી વડોદરાની કપુરાઇ ચોકડીથી ગુમ થયા છે. આ મામલે વાડી પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હરિહરાનંદ ભારતીજીએ આ મામલે એક વીડિયો પણ બનાવ્યો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેઓ અમદાવાદના સરખેજની ગાદીના વિવાદને કારણે આશ્રમ છોડીને જઇ રહ્યા છે તેવુ જણાવી રહ્યા છે.
અમદાવાદ મેડિકલ ચેકઅપ માટે ગયા હતા
પરમેશ્વર ભારતી (રહે. શ્રી ભારતી આશ્રમ, ગુરડેશ્નર, જિલ્લો નર્મદા) એ વડોદરાના વાડી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે કે, અમારા આશ્રમના ગાદીપતિ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી હરીહરાનંદ ભારતીજી મહારાજ 30મી એપ્રિલ 2022ના દિવસે બપોરના આશરે 12 વાગ્યે કેવડિયાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલા ડૉ. રવિન્દ્ર લોઢાની હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે નીકળ્યા હતા અને ચેકઅપ કરાવી સાંજના આશરે સાડા પાંચ વાગ્યે કેવડિયા આશ્રમ ખાતે આવવા નીકળ્યા હતા.
વળતા વડોદરામાં અનુયાયીને ત્યાં રોકાયા હતા
વડોદરામાં રહેતા તેમના એક સેવક રાકેશભાઇ રસિકભાઇ ડોડિયા (રહે. રુદ્રાક્ષ હાઇટ્સ, કપુરાઇ ચોકડી પાસે) રાત્રી ભોજન કરવા માટે ગયા હતા. જ્યાં રાત્રે આશરે નવ વાગ્યેને તેમણે કારેલીબાગ ખાસવાડી સ્મશાનમાં શિષ્ય કાળુ ભારતી પાસે જવાનું કહેતા રાકેશભાઇ ડોડિયાએ હરિહરાનંદ મહારાજને કપુરાઇ ચોકડી પાસે આવેલા પોલીસ ચેકપોસ્ટની પાછળ હનુમાન દાદાની ડેરીએ કારમાંથી ઉતાર્યા હતા. ત્યારબાદ રાકેશભાઇ તેમના ઘરે જતા રહ્યા હતા.
કોઇ આશ્રમમાં ભાળ ન મળી
બાદમાં હરિહરાનંદ મહારાજ ગઇકાલે 1લી મે 2022ના સવારના 10 વાગ્યા સુધી કેવડિયા આશ્રમે ન પહોંચતા આ અંગે કાળુ ભારતીને ફોન કરી પૂછતા તેમણે હરિહરાનંદ તેમને મળવા જ આવ્યા નથી તેમ જણાવ્યું હતું. જેથી રાકેશભાઇ ડોડિયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમણે તો બાપુને કપુરાઇ ચેકપોસ્ટ પાસે કારમાંથી ઉતાર્યા હતા બાદમાં બાપુ વિશે કંઇ ખબર નથી. જેથી બાપુ અંગે જૂનાગઢ સહિતના વિવિધ આશ્રમોમાં તપાસ કરતા હરીહરાનંદ ભારતીજીની કોઇ ભાળ મળી નથી.
કંટાળીને આશ્રમ છોડ્યાનો વીડિયો વાયરલ
હરિહરાનંદ બાપુનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં હરિહરાનંદ બાપુ કહે છે કે, ‘ભારતી આશ્રમ સરખેજનો ખૂબ વિવાદ થયો. એક વર્ષ થયું મારા ગુરુ ભારતી બાપુ બ્રહ્મલીન થયા ત્યાર પછીથી સતત વિવાદ ચાલી રહ્યો છે. મારી પાસેથી આશ્રમ માંગે છે, વીલ મારા નામે છે. મારી સામે ફ્રોડ (નકલી) વીલ બનાવ્યા. મને ખૂબ દબાણ કરવામાં આવ્યું. મારી પર એનકેન પ્રકારે કિચડ ઉડ્યા અને ઉડાડે છે એવા માણસો તૈયાર કર્યા. માણસો પણ કિચડ ઉડાડી મને દબાણ કરે છે. તો હું કંટાળી ગયો છું અને કંટાળીને મેં આ નિર્ણય લીધો છે કે હું આ છોડીને નિકળી જાઉં.’