20 મે, મુંબઈ: રોહિત શર્મા આવતી IPL મુંબઈ ઇન્ડિયન્સ માટે રમશે કે નહીં તે પ્રશ્નનો સરખો જવાબ હજી સુધી મળી શક્યો નથી. પરંતુ આજકાલ સોશિયલ મીડિયામાં રોહિત અને નીતા અંબાણી વચ્ચે થઇ રહેલી ચર્ચાનો એક વિડીયો ઘણો વાયરલ થયો છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ ચર્ચા મુંબઈ ઇન્ડિયન્સની અંતિમ મેચ જે લખનૌ સુપર જાયન્ટ્સ સામે મુંબઈના જ હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી તેના સમાપ્ત થઇ ગયા પછીનો છે. સ્વાભાવિકપણે એ મેચ સાથે આ IPLમાં મુંબઈની સફર પણ પૂર્ણ થઇ ગઈ હતી. જો કે મુંબઈ ઇન્ડિયન્સ એક અઠવાડિયા પહેલાં જ IPL 2024ના પ્લેઓફ્સમાંથી બહાર થનારી પહેલી ટીમ પણ બની ગઈ હતી.
ગયા વર્ષે જ્યારે ઓક્શન કરવામાં આવ્યું હતું તેના અમુક દિવસો અગાઉ મુંબઈ ઇન્ડિયન્સ મેનેજમેન્ટે એક આઘાતજનક નિર્ણય લેતા રોહિત શર્માને ટીમના કપ્તાનપદેથી હાંકી કાઢ્યો હતો અને તેને સ્થાને હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સમાંથી ખરીદી તેને ટીમનો કેપ્ટન જાહેર કરી દીધો હતો.
આ નિર્ણય અગાઉ મેનેજમેન્ટે રોહિત સાથે કોઈ ચર્ચા કરી હોય કે તેને વિશ્વાસમાં લીધો હોય તે ક્યાંય જાણવા મળ્યું નથી. પરંતુ આમ બન્યું હોય તેવું લાગતું પણ નથી. કારણકે રોહિત શર્માએ ક્યારેય સોશિયલ મીડિયામાં કે અન્યત્ર પોતે હાર્દિકની કપ્તાનીમાં વિશ્વાસ ધરાવે છે અને ટીમના સમર્થકોએ પણ હાર્દિકને સમર્થન આપવું જોઈએ એવી અપીલ કરી નથી.
આ ઉપરાંત કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ અગાઉ KKRના બેટિંગ કોચ અભિષેક શર્મા સાથે રોહિતનો એક વિડીયો વાયરલ થયો હતો તેમાં તે મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં પોતાનું છેલ્લું વર્ષ ગાળી રહ્યો છે તેમ કહેતાં સંભળાઈ રહ્યો હતો. આ વિડીયો સાથે રોહિત અને નીતા અંબાણી જે રીતે ચર્ચા કરી રહ્યા હતા એ વિડીયોને જોડવામાં આવે તો કદાચ એવું માની શકાય કે નીતા અંબાણી રોહિતને તેના ભવિષ્યના પ્લાન વિશે પૂછી રહ્યા હશે.
તો બીજી તરફ રોહિત શર્મા પણ સિઝનની અંતિમ મેચ રમ્યા પછી આ મારી તમારી ટીમ માટે અંતિમ મેચ હતી અને હવે આવનારા ઓક્શન અગાઉ મને રિલીઝ કરી દેશો એવી વાત પણ પોતાની ટીમના માલિકને કહી રહ્યો હોય એ પણ સંભવ છે. જે રીતે મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં ફાટફૂટ જોવા મળી છે એવું લાગી રહ્યું છે કે રોહિત શર્મા આવતે વર્ષે આ ટીમ માટે બિલકુલ નહીં રમે.