વિસાવદરના પૂર્વ MLA ભૂપત ભાયાણીનો વીડિયો વાયરલ, કાર્યકરોએ આડેહાથ લેતા ભાગવુ પડ્યુ
સુરત, 28 ડિસેમ્બર 2023, તાજેતરમાં જ વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયાં હતાં. હવે તેમને પાર્ટી છોડવા અંગે કડવા અનુભવોનો સામનો કરવો પડ્યો છે. આમ આદમી પાર્ટીના જ નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમને આડાહાથે લીધા હતા. ગઈકાલે સુરતની મુલાકાતે આવેલા ભૂપત ભાયાણીને એકાએક સામે જોતા આપના નેતાઓએ તેમને ઘેરી લીધા હતા. બાદમાં પાર્ટી છોડવાનાં કારણોને લઈ સવાલોનો મારો કર્યો હતો. જેથી તેમને શરમના માર્યા ભાગવાનો વારો આવ્યો હતો. ભૂપત ભાયાણી સાથે જોયા જેવી થયાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
સવાલોનો મારો થતાં જ ભૂપત ભાયાણી ભાગ્યા
આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ ટ્રાફિક નિયમન કરી રહ્યા હતા. આ દરમિયાન જ સામેથી ભૂપત ભાયાણી એકાએક ચાલતા દેખાયા હતા. ત્યારે જાહેરમાં વીડિયો બનાવી રહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ ભૂપત ભાયાણીને જોતાની સાથે જ તેમને પ્રશ્ન પૂછવાના શરૂ કરી દીધા હતા. ધર્મેશ ભંડેરીએ ભૂપત ભાયાણીને કહ્યું હતું કે, તમને જોઈને કોઈએ વોટ આપ્યા નથી પરંતુ આમ આદમી પાર્ટીને વોટ આપીને તમને ધારાસભ્ય બનાવવામાં આવ્યા હતા. તમે મતદારોએ તમારામાં મૂકેલો ભરોસો કેમ તોડ્યો છે તેના જવાબ આપો. પરંતુ ભૂપત ભાયાણીએ ફક્ત એટલું જ કહ્યું હતું કે, આ બાબતે મારે કંઈ કહેવું નથી. આખરે ભૂપત ભાયાણી ત્યાંથી ભાગી ગયા હતા.
પક્ષના કાર્યકરોનો એક પણ સવાલનો જવાબ ના આપ્યો
પૂર્વ વિપક્ષા નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, જ્યારે લોકશાહીમાં લોકો મત આપીને તમારા ઉપર વિશ્વાસ વ્યક્ત કરતા હોય છે ત્યારે તેમનો ભરોસો જ સૌથી અગ્રેસર હોય છે. ભૂપત ભાયાણીને લોકોએ આમ આદમી પાર્ટીના સિમ્બોલ ઉપર મત આપીને વિજય બનાવ્યા હતા. વિસાવદરના મતદારોને ભાજપમા ભરોસો ન હોવાને કારણે તેઓએ આમ આદમી પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવ્યા હતા. પરંતુ તેઓએ પોતાના અંગત સ્વાર્થમાં રૂપિયા અને સત્તાની લાલચમાં લોકો સાથે દ્રોહ કર્યો છે જે ક્યારેય સાંખી લેવાય નહીં. જ્યારે તેઓ અમારી સમક્ષ અચાનક આવ્યા ત્યારે અમે તેમને પૂછ્યું કે, આમ આદમી પાર્ટી છોડવાનું એક કારણ બતાવો. પરંતુ તેઓ જવાબ આપી શક્યા નહોતા. ભૂપત ભાયાણી ત્યાંથી ભાગી ગયા હતા.
આ પણ વાંચોઃબોમ્બથી ઉડાવી દેવાનો અમદાવાદ એરપોર્ટને ઇ-મેલ આવ્યો, પ્રવાસીઓમાં ભય