Video : ન્યૂઝીલેન્ડના ખેલાડીએ બાઉન્ડ્રી ઉપર પકડ્યો એવો કેચ કે દર્શકો મોં માં આંગળા નાખી ગયા
નવી દિલ્હી, 8 જાન્યુઆરી : ન્યૂઝીલેન્ડનો ખેલાડી નાથન સ્મિથ અચાનક જ સોશિયલ મીડિયા પર સેન્સેશન બની ગયો છે. સ્મિથે બુધવારે શ્રીલંકા સામેની બીજી વનડેમાં બાઉન્ડ્રી લાઇન પર એશાન મલિંગાનો અવિશ્વસનીય કેચ લીધો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ ગયો હતો.
આ ઘટના શ્રીલંકાની ઇનિંગ્સની 29મી ઓવરમાં બની હતી. વિલ ઓ’રોર્કે શોર્ટ લેન્થની ઓવરનો છેલ્લો બોલ ફેંક્યો, જેના પર મલિંગાએ લોંગ ઓફ તરફ શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બોલ તેના બેટના ઉપરના કિનારે અથડાયો અને થર્ડ મેનની દિશામાં ગયો હતો. ત્યાં હાજર સ્મિથે જમણી બાજુએ દોડતી વખતે હવામાં કૂદકો માર્યો અને શાનદાર કેચ પકડ્યો હતો. સ્મિથ લપસતી વખતે આગળ ગયો, પરંતુ તેનો પગ બાઉન્ડ્રી લાઇનથી દૂર રહ્યો હતો.
Nathan Smith! A screamer on the Seddon Park boundary to dismiss Eshan Malinga 🔥 #NZvSL #CricketNation pic.twitter.com/sQKm8aS07F
— BLACKCAPS (@BLACKCAPS) January 8, 2025
યુઝર્સે તેના ખૂબ વખાણ કર્યા
નાથન સ્મિથના કેચની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. બ્લેકકેપ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયો પર યૂઝર્સે કોમેન્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. એક યુઝરે કમેન્ટ કરી, ‘પરફેક્ટ ફિશ ડાઇવ.’ એક યુઝરે ટિપ્પણી કરી, ‘ન્યૂઝીલેન્ડની ફિલ્ડિંગ વિશ્વમાં શ્રેષ્ઠ છે.’
ન્યૂઝીલેન્ડે શ્રેણી જીતી લીધી હતી
મહત્વનું છે કે ન્યૂઝીલેન્ડે હેમિલ્ટનમાં રમાયેલી બીજી વનડેમાં શ્રીલંકાને 113 રનના વિશાળ અંતરથી હરાવીને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. વરસાદ વિક્ષેપિત મેચમાં ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરી અને સુધારેલી 37 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 255 રન બનાવ્યા હતા
ન્યુઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્ર (79) અને માર્ક ચેપમેને (62) અડધી સદી ફટકારી હતી જ્યારે ડેરીલ મિશેલ (38), ગ્લેન ફિલિપ્સ (2) અને કેપ્ટન મિચેલ સેન્ટનર (20)એ ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. શ્રીલંકા માટે મહિષ તિક્ષાનાએ હેટ્રિક સહિત કુલ 4 વિકેટ લીધી હતી. વાનિન્દુ હસરંગાને બે વિકેટ મળી હતી. અસિત ફર્નાન્ડો અને એશાન મલિંગાને એક-એક સફળતા મળી હતી.
શ્રીલંકાની ખરાબ હાલત
256 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 30.2 ઓવરમાં 142 રનમાં સમેટાઈ ગઈ હતી. શ્રીલંકા માટે કામિન્દુ મેન્ડિસ (64)ની અડધી સદી નિરર્થક ગઈ. બોલરોમાં વિલિયમ ઓરૂર્કે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. જેકબ ડફીને બે વિકેટ મળી હતી. મેટ હેનરી, નાથન સ્મિથ અને મિશેલ સેન્ટનરને એક-એક વિકેટ મળી હતી. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી અને અંતિમ વનડે 11 જાન્યુઆરીએ ઓકલેન્ડમાં રમાશે.
આ પણ વાંચો :- ડરવાની જરૂર નથી…! WHO એ HMPV વાયરસને ગણાવ્યો સામાન્ય