વીડિયોઃ નરેન્દ્ર મોદી કભી પાકિસ્તાન કી બાત કરેગા, કભી સમુંદર કે નીચે જાકે ડ્રામા કરેગાઃ રાહુલ ગાંધીનો બેફામ વાણીવિલાસ
- પ્રાચીન દ્વારકા નગરીના દર્શન કરનાર PM મોદીને રાહુલ ગાંધીએ નૌટંકી ગણાવી
- કોંગ્રેસ નેતાએ ભાષા અને હોદ્દાનું તમામ ઔચિત્ય ભૂલીને બેફામ શબ્દપ્રયોગો કર્યા
પૂણે, 4 મે, 2024: લોકસભા ચૂંટણીનો પ્રચાર ધીમેધીમે એ હદે ઝેરીલો થઈ રહ્યો છે કે ટોચના ગણાતા નેતાઓને ભાષા અને સમુદાયની લાગણીઓની પણ ચિંતા રહી નથી. કોંગ્રેસ હંમેશાં સનાતન ધર્મનું અપમાન કરે છે એવા ભાજપના આક્ષેપોને રાહુલ ગાંધીએ ગઈકાલે શુક્રવારે સાચા ઠેરવ્યા છે.
જૂઓ વીડિયો અહીં:
View this post on Instagram
મહારાષ્ટ્રના પૂણેમાં એક ચૂંટણી સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કરેલાં નિવેદનો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે જેમાં રાહુલને એવું કહેતા સાંભળી શકાય છે કે, “નરેન્દ્ર મોદી કભી પાકિસ્તાન કી બાત કરેગા, કભી સમુંદર કે નીચે જાકે ડ્રામા કરેગા. મતલબ આપને દેખા હો તો વો સમુદ્ર કે અંદર જાકે ડરા હુઆ દીખ રહા થા“. દેખીતી રીતે, રાહુલ ગાંધી એ ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યા હતા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને ગુજરાતમાં પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાની મુલાકાત દરમિયાન દરિયામાં સમાઈ ગયેલી પ્રાચીમ દ્વારકા નગરીના દર્શન કરવા ગયા હતા અને ત્યાં મોરપીંચ્છ અર્પણ કરીને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનના આ ભક્તિભાવમાં રાહુલ ગાંધીને ડ્રામા અને ડર દેખાયો છે.
કોંગ્રેસ નેતાના આવા બેફામ વાણીવિલાસને કારણે અનેક સનાતનીઓ નારાજ થયા છે અને સોશિયલ મીડિયામાં આ વીડિયોના જવાબમાં તીવ્ર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે, એવું લાગે છે કે, ચૂંટણીનાં પરિણામ વિશે રાહુલ ગાંધી એવું કંઈક જાણે છે જે આપણે નથી જાણતા. તો અન્ય યુઝરે કહ્યું કે, પપ્પૂ કી બુદ્ધિ જિંદાબાદ. ત્રીજા યુઝરે આ વીડિયોની નીચે જણાવ્યું કે, નિરાશ હતાશ મજબુર માણસની આ ભાષા છે જે સમજી ગયા છે કે આવશે તો મોદી જ. અન્ય એક યુઝરે સારી ભાષામાં જણાવ્યું કે, ભારતના રાજકારણ ઉપર લાદી દેવામાં આવેલા આ સૌથી મોટો મજાક છે અને એ બીજાને મજાક બતાવે છે, ગજબ!
છેલ્લા થોડા દિવસમાં, ખાસ કરીને બીજા તબક્કાના મતદાન પછી તમામ રાજકીય પક્ષો, ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત મમતા બેનરજી એકબીજા ઉપર ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવાના અને તુષ્ટિકરણ કરવાના આક્ષેપ કરી રહ્યા છે.
એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપના ટોચના નેતાઓ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાનો હવાલો આપીને કોંગ્રેસને મુસ્લિમ લીગનો ટેકેદાર બતાવે છે. તો બીજી તરફ કોંગ્રેસ ભાજપને અને ખાસ કરીને નરેન્દ્ર મોદીને સનાતન પરંપરાઓ દ્વારા ડ્રામા કરતા હોવાનો આક્ષેપ કરે છે. સામે પક્ષે મમતા બેનરજીએ પણ છેલ્લા બે દિવસમાં એવા આક્ષેપ કર્યા છે કે, ચૂંટણીપંચે મતદાનની તારીખો એવી રીતે નક્કી કરી છે કે મુસ્લિમો મત ન આપી શકે.
અલબત્ત, ત્રીજા તબક્કાના મતદાન આડે હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન વિશે આવી તોછડી ભાષાનો ઉપયોગ અને દ્વારકાના દરિયામાં વડાપ્રધાને કરેલી પૂજા-અર્ચનાને ડ્રામા ગણાવવાનું અને મોદી ડરેલા દેખાતા હોવા અંગેનાં નિવેદનો કોંગ્રેસને કેટલો ફાયદો કરાવશે કે કેટલું નુકસાન પહોંચાડશે તે આવનારો સમય કહેશે.
આ પણ વાંચોઃ ઉત્તરાખંડના જંગલોમાં આગ લગાડનારા અત્યાર સુધીમાં 10 આરોપીઓ ઝડપાયા