VIDEO: દેશની સૌપ્રથમ ડ્રાઈવર વિનાની ગુડ્સ ટ્રેન! લગભગ 83 કિ.મી.નું અંતર કાપ્યું
- જમ્મુ-કાશ્મીરના કઠુઆ રેલવે સ્ટેશનથી ઉપડેલી ટ્રેનને અનેક પ્રયત્નો બાદ પંજાબના દસુહા પાસે રોકવામાં આવી
પંજાબ, 25 ફેબ્રુઆરી: પંજાબમાં આજે રવિવારે એક ખૂબ જ આશ્ચર્યજનક ઘટના બહાર આવી છે. અહીં એક માલગાડી (ગુડ્સ ટ્રેન) લગભગ 83 કિલોમીટર સુધી ડ્રાઈવર વગર દોડતી રહી હતી. સદનસીબે આ દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાથી રેલવે વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. પંજાબના દસુહા પાસે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. રેલવેએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. જમ્મુ-કાશ્મીરના કઠુઆ રેલવે સ્ટેશન પર એક માલગાડી અચાનક પઠાણકોટ તરફ ડ્રાઈવર વગર આગળ વધી ગઈ હતી. ઢાળના કારણે આ ટ્રેન ડ્રાઈવર વગર દોડવા લાગી હતી.
View this post on Instagram
View this post on Instagram
ઉતાવળમાં ઘણા પ્રયત્નો બાદ, ટ્રેનને પંજાબના મુકેરિયનમાં ઉંચી બસ્સી પાસે રોકી દેવામાં આવી હતી. જમ્મુના ડિવિઝનલ ટ્રાફિક મેનેજરનું કહેવું છે કે, આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
સમગ્ર મામલો શું છે ?
મળતી માહિતી મુજબ, આ ઘટના રવિવારે સવારે લગભગ 7.10 વાગ્યે બની હતી. ડ્રાઇવરે જમ્મુના કઠુઆમાં માલસામાન ટ્રેન નંબર 14806R રોકી હતી. અહીં ડ્રાઈવર ટ્રેનમાંથી નીચે ઉતરીને ચા પીવા ગયો હતો. આ દરમિયાન, ટ્રેન અચાનક આગળ વધવા લાગી અને ઝડપથી દોડવા લાગી હતી. અહેવાલો અનુસાર કઠુવા રેલવે સ્ટેશન નજીકના સૂત્રોનું કહેવું છે કે, માલગાડી કોંક્રીટનું વહન કરી રહી હતી. આ કોંક્રિટ કઠુઆથી લોડ કરવામાં આવ્યું હતું. જ્યારે ડ્રાઈવર(લોકો પાયલટ) અને કો-ડ્રાઈવર ચા પીવા માટે રોકાયા ત્યારે એન્જિન ચાલુ રહી ગયું હતું. જેથી સવારે 7:10 કલાકે અચાનક ટ્રેન આગળ વધવા લાગી હતી. સૂત્રોનું કહેવું છે કે, ડ્રાઈવરે ટ્રેનમાંથી ઉતરતા પહેલા હેન્ડબ્રેક જ ખેંચી ન હતી.
#WATCH | Hoshiarpur, Punjab: The freight train, which was at a halt at Kathua Station, was stopped near Ucchi Bassi in Mukerian Punjab. The train had suddenly started running without the driver, due to a slope https://t.co/ll2PSrjY1I pic.twitter.com/9SlPyPBjqr
— ANI (@ANI) February 25, 2024
જ્યારે ડ્રાઈવરે ટ્રેનને જતી જોઈ તો તેના હોશ ઉડી ગયા
આ ઘટના બાદ જ્યારે ડ્રાઈવરે જોયું કે ટ્રેન ચાલુ થઈ ગઈ છે અને આગળ વધવા લાગી છે તો તેના હોશ ઉડી ગયા. આ અંગેની માહિતી રેલવેના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી હતી. આ પછી ટ્રેનને રોકવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ આ તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. આ પછી આખરે પેસેન્જર ટ્રેનના ડ્રાઇવરો અને કર્મચારીઓએ દસુહા નજીક ઉચી બસ્તી વિસ્તારમાં ટ્રેનને રોકી હતી. ત્યાં સુધીમાં ટ્રેને લગભગ 83 કિલોમીટરનું અંતર કાપી લીધું હતું.
સદનસીબે આગળ પાટા પર બીજી કોઈ ટ્રેન ન હતી, નહીંતર મોટી દુર્ઘટના સર્જાવાની સંભાવના હતી. આ ઘટનામાં કોઈ જાનહાની કે જાનમાલના નુકસાનની માહિતી નથી. રેલવેએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને કારણ જાણવા માટે ફિરોઝપુરથી એક ટીમ મોકલવામાં આવી છે.
આ પણ જુઓ: VIDEO: વ્યક્તિ ફૂટઓવર બ્રિજ પર ચઢીને રેલવે ટ્રેક પર કૂદી પડ્યો! જવાનોએ બચાવ્યો જીવ