ગુજરાતમાં સાઇબર ક્રાઈમનો ભોગ બનેલા લોકોને રૂ.155 કરોડ પરત મળશે
- બેન્ક ખાતામાંથી ઉપડી ગયેલા કે ફ્રોડના કારણે ફ્રીઝ થયેલા ખાતાના નાણાં પરત મળશે
- 22 જૂને રાજ્યભરમાં લોક અદાલત યોજવામાં આવશે
- સંબંધિત તમામને રિપોર્ટ તૈયાર રાખવા આદેશ
ગુજરાતભરમાં સાઇબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોને તેમના નાણાં ઝડપથી પરત અપાવવા માટે સીઆઇડી ક્રાઈમ, ગાંધીનગર, ગુજરાત રાજય દ્વારા બહુ મોટી ઝુંબેશ અને અભિયાન હાથ ધરાયું છે, જેમાં છેલ્લા 9 મહિનાથી વધુ સમયના લોકોની ટિકિટ (ફરિયાદ-વર્ધી)ને અગ્રીમતા આપીને આ મહિનાની તા.22મી જૂને યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની લોક અદાલતમાં આવા તમામ કેસો મૂકી ભોગ બનનારાને ખાતામાંથી ગયેલા પૈસા પરત અપાવવાનો ઐતિહાસિક પ્રયાસ થશે.
આ પણ વાંચો: જૂનાગઢનાં ડે.મેયરનો ઓડિયો વાઈરલ, કેસ પરત ખેંચવા પિતા ઉપર રાજકીય દબાણ
22 જૂને રાજ્યભરમાં લોક અદાલત યોજવામાં આવશે
સીઆઇડી ક્રાઇમ દ્વારા રાજયના તમામ શહેર પોલીસ કમિશનરો, રેન્જ વડાઓ અને તમામ પોલીસ અધિક્ષકો અને તેમના તાબાના અધિકારીઓને આ માટે ભોગ બનેલા લોકોને રૂબરૂ બોલાવી તેમની અરજી તૈયાર કરી રિપોર્ટ રેડી રાખવા સૂચના અપાઇ છે. જો કે, જે સૌથી ચોંકાવનારી માહિતી એ છે કે, ગુજરાતમાં સાઈબર ક્રાઇમનો ભોગ બનનારની કુલ 1,34,403 અરજીઓ પેન્ડીંગ છે, જેમાં કુલ રૂ.155,70,26, 496 જેટલી માતબર રકમ ફ્રીઝ-બ્લોક છે. સાઇબર ક્રાઇમનો ભોગ બનેલાની ટિકિટ (ફરિયાદ-વર્ધી)માં અમદાવાદ શહેર સૌથી ટોપ પર છે, અમદાવાદ શહેરમાં 50,570 ટિકિટ નોંધાયેલી બોલે છે, જે પૈકી 35,822 હજુ પેન્ડીંગ છે. કુલ 14,748 કેસોમાં પોલીસ મથકેથી કામગીરી-પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઇ છે. એટલે કે, હજુ 70.84 ટકા કામગીરી બાકી બોલે છે.
9 મહિનાથી ઉપરના સમયની ટિકિટની કામગીરી પેન્ડીંગ હોય તેવા 12959 કેસો
9 મહિનાથી ઉપરના સમયની ટિકિટની કામગીરી પેન્ડીંગ હોય તેવા 12959 કેસો છે. બીજા નંબરે 27,173 ટિકિટ્સ સાથે સુરત શહેર આવે છે. જયારે ત્રીજા નંબરે 15,735 ટિકિટ સાથે વડોદરા શહેર આવે છે. એટલે કે, આ મોટા શહેરમાં સાઇબર ક્રાઇમના સૌથી વધુ કેસો નોંધાયા છે તે સ્પષ્ટ છે. રાજ્યના કુલ 38 જિલ્લાઓમાં મળી સાઇબર ક્રાઈમની 2,04,685 ટિકિટ્સ (ફરિયાદ-વર્ધી) નોંધાઇ છે, તેમાંથી અડધા ઉપર એટલે કે, 1,34,403 ટિકિટની કામગીરી પેન્ડીંગ છે. તો, કુલ 70,242 કિસ્સામાં પોલીસમથકેથી કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે. જયારે 9 મહિનાથી ઉપરનો સમય થઇ ગયો હોય તેવી ટિકિટના 39,645 કેસો છે.
તા.21મી જૂન સુધી અસરકારક ઝુંબેશ
આગામી તા.22-6-2024ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત છે, તેથી ગુજરાત રાજયના તમામ શહેર, રેન્જ, જિલ્લામાં સંબંધિત પોલીસ મથકોએ રીફ્ંડની કામગીરી કરતાં રોજેરોજ કરેલ કામગીરીની અપડેટ રિફ્ંડ પોર્ટલ પર પણ કરવા તાકીદ કરવામાં આવી છે. સાથે સાથે ભોગ બનેલા લોકોને રૂબરૂ બોલાવી તેમનીઅરજી તૈયાર કરી રિપોર્ટ રેડી રાખવા સૂચના અપાઇ છે, જે રિપોર્ટ અને અરજી સહિતના દસ્તાવેજો લોક અદાલતમાં મૂકી ભોગ બનેલા લોકોને તેમના નાણાં પરતઅપાવાશે.