ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીઃ 56 નિવૃત્ત ન્યાયાધીશ સુદર્શન રેડ્ડીની વિરોધમાં આવ્યા, જણાવ્યું કારણ

નવી દિલ્હીઃ 26 ઓગસ્ટ, 2025: Vice President Election: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ન્યાયતંત્ર સાથે સંકળાયેલા નિવૃત્ત ન્યાયાધીશોમાં સીધો સંઘર્ષ ઉભો થયો છે. દેશના પચાસથી વધુ પૂર્વ ન્યાયાધીશોએ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડી અંગે એક જાહેર પત્ર લખ્યો છે. આ ન્યાયાધીશોએ ગૃહમંત્રી અમિત શાહના તાજેતરના નિવેદન પર પ્રતિક્રિયા આપનારા તેમના સાથી પૂર્વ ન્યાયાધીશોની ટીકા કરી છે.
ગૃહમંત્રી શાહે સુદર્શન રેડ્ડીના સલવા જુડુમ નિર્ણય પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ત્યાર બાદ, 18 પૂર્વ ન્યાયાધીશોએ પત્ર લખીને શાહની ટીકા કરી હતી. હવે જવાબમાં, 56 ભૂતપૂર્વ ન્યાયાધીશોએ પત્ર લખીને કહ્યું કે, તે એક ખોટી પરંપરા બની ગઈ છે કે દરેક મોટી રાજકીય ઘટના પર કેટલાક લોકો રાજકીય વલણ સાથે નિવેદનો આપે છે અને તેને ન્યાયિક સ્વતંત્રતાનો રંગ આપવાનો પ્રયાસ કરે છે. આ સમગ્ર ન્યાયતંત્રની વિશ્વસનીયતા અને નિષ્પક્ષતાને અસર કરે છે.
અનેક મોટા નામ સામેલ
પત્ર લખનારા ન્યાયાધીશોમાં પૂર્વ ચીફ જસ્ટિસ અને કેરળના પૂર્વ રાજ્યપાલ જસ્ટિસ પી. સદાશિવમ, પૂર્વ સીજેઆઈ અને રાજ્યસભા સાંસદ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ અર્જન કુમાર સિકરી અને જસ્ટિસ એમ.આર. શાહનો સમાવેશ થાય છે.
તેમનું કહેવું છે કે, જ્યારે કોઈ નિવૃત્ત ન્યાયાધીશ રાજકારણમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને સામાન્ય ઉમેદવારની જેમ ટીકાનો સામનો કરવો પડે છે. આવી ટીકાને ન્યાયતંત્ર પર હુમલા તરીકે ન જોવી જોઈએ.
રાજકીય ટીકા VS ન્યાયિક સ્વતંત્રતા
ન્યાયાધીશોએ સ્પષ્ટ લખ્યું કે, ‘રાજકીય ઉમેદવારની ટીકા કરવી એ ન્યાયિક સ્વતંત્રતાની વિરુદ્ધ નથી. વાસ્તવિક જોખમ ત્યારે ઊભું થાય છે જ્યારે પૂર્વ ન્યાયાધીશો વારંવાર એવા નિવેદનો આપે છે જેનાથી એવું લાગે કે, આખી સંસ્થા રાજકારણમાં સામેલ છે. અમે અપીલ કરીએ છીએ કે ન્યાયતંત્રને રાજકારણથી દૂર રાખવું જોઈએ અને જેમણે રાજકારણનો માર્ગ પસંદ કર્યો છે તેઓએ રાજકીય ક્ષેત્રમાં પોતાનો બચાવ કરવો જોઈએ.’
આ પ્રકારે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં નિવૃત્ત ન્યાયાધીશની ઉમેદવારીએ માત્ર રાજકીય ઉથલપાથલ જ નહીં, પણ ન્યાયતંત્રમાં પણ ઊંડી ચર્ચા જગાવી છે.
આ પણ વાંચોઃ ઝૂકેગા નહીં… ટેરિફ વિવાદ પર ટ્રમ્પે ચાર વાર ફોન કર્યો, પણ પીએમ મોદીએ વાત ન કરી..!!
આ પણ વાંચોઃ ‘ફક્ત રાહુલ ગાંધી નહીં લે નિર્ણય…’ બિહાર CMના ચહેરા અંગે મુકેશ સહનીના નિવેદન બાદ ગરમાયું રાજકારણ












