વાયબ્રન્ટ સમિટઃ 9થી 13 જાન્યુઆરી સુધી ડાયવર્ઝન માટે જાહેરનામું
ગાંધીનગર, 4 જાન્યુઆરી 2023, ગાંધીનગરમાં ગઈ કાલે વાઇબ્રન્ટ સમીટને લઈને મુખ્યમંત્રીએ બોલાવેલી એક બેઠકમાં વાયબ્રન્ટ સમિટમાં સુરક્ષા મામલે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ વખતની સમિટમાં કુલ 32 દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે. જે અંતર્ગત 4 દેશોના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહેશે. UAE, ચેક રિપબ્લિક, મોઝામ્બિક, તિમોર લેસ્ટના વડાઓ ગુજરાત આવશે, જ્યારે કે 18 પાર્ટનર દેશોના ગવર્નર અને મંત્રીઓ પણ હાજર રહેશે. ત્યારે આ સમિટની લઈને ગાંધીનગર કલેકટરે રસ્તાઓ ને લઈ એક મહત્વનું જાહેરનામુ બહાર પાડ્યું છે.
‘જ રોડ પણ આમ જનતા માટે પ્રતિબંધિત કરાયો
ગાંધીનગર કલેક્ટરના જાહેરનામા પ્રમાણે રસ્તાઓ સંબંધિત જાહેરનામું આગામી 9થી 13 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. જાહેરનામા પ્રમાણે ગાંધીનગરમાં ચ (0) થી ચ (5) રોડને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ગ, ઘ, ચ, ખ અને જિલ્લા પંચાયતથી સેક્ટર 17 અને સેક્ટર 16 તરફ જતા રસ્તા પર પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સર્કિટ હાઉસથી ઝીમ ખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે. આ જાહેરનામાં મુજબ સેન્ટ્રલ વિસ્તારનો રોડ પણ નો પાર્કિંગ ઝોન રહેશે. ગાંધીનગર શહેરમા રોડ નંબર 7 સુધી સવારે 6થી રાતના 11 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ રોડ પણ આમ જનતા માટે પ્રતિબંધિત કરાયો છે.
ત્રણ દિવસ ત્રણ મુખ્ય માર્ગો પણ અન્ય ટ્રાફિક માટે બંધ
વાઇબ્રન્ટ સમિટ દરમિયાન પોલીસ દ્વારા સતત સીસીટીવી દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે. આ માટે માર્ગો અને કાર્યક્રમ સ્થળો ઉપરાંત તમામ પાર્કિંગના સ્થળોએ પણ સીસીટીવી લગાવવામાં આવશે. તમામ કેટેગરીના પાર્કિંગમાં સીસીટીવી ફરજિયાત લગાવાશે. જેથી દરેક મૂવમેન્ટ પર પોલીસની નજર રહેશે. 12 જાન્યુઆરી સુધી યોજાનાર વાયબ્રન્ટ સમિટ અંતર્ગત મુખ્ય ત્રણ લોકેશન મહાત્મા મંદિર, વાઇબ્રન્ટ એક્ઝિબિશન સેન્ટર અને ગિફ્ટ સિટી ખાતે ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવશે. તે ઉપરાંત આ ત્રણેય સ્થળોએ જતા મુખ્ય રૂટ, એરપોર્ટ અને અમદાવાદની હોટેલથી આવતા વીવીઆઇપી મહેમાનોના રૂટનું પણ સીસીટીવીથી સરવેલન્સ કરવામાં આવશે. વીવીઆઇપી મૂવમેન્ટને કોઇ અડચણ ન આવે તે માટે ત્રણ દિવસ ત્રણ મુખ્ય માર્ગો પણ અન્ય ટ્રાફિક માટે બંધ રાખવામાં આવશે.
આ પણ વાંચોઃ અમદાવાદથી પ્રસાદીના 20 હજાર બોક્સ અયોધ્યા જશે, જાણો એક બોક્સમાં શું શું હશે?