ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરતના સરસાણા ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ સુરત’ સમિટ યોજાઈ

  • સુરતના ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ.૫૭ કરોડના એમ.ઓ.યુ. કર્યા: અંદાજે ૩૫૦થી વધુ વ્યક્તિઓને રોજગારી મળશે.
  • નિષ્ણાત વક્તાઓએ ઉદ્યોગકારો, રોકાણકારોને પેનલ ડિસ્કશન, સ્ટાર્ટઅપ, નેટવર્કીગ સેશન, બીટુબી અને બીટુસી મિટીંગ દ્વારા માર્ગદર્શન આપ્યું.

સુરતઃ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સફળતાપૂર્વક બે દાયકા પૂર્ણ કરી રહી છે, જેના ભાગરૂપે તેમજ આગામી ‘વાયબ્રન્ટ ગુજરાત-૨૦૨૪’ની પ્રિ-ઈવેન્ટ અંતર્ગત સુરતના સરસાણા કન્વેન્શન હોલ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ‘વાયબ્રન્ટ ગુજરાત,વાયબ્રન્ટ સુરત’ સમિટ યોજાઈ હતી. જેમાં સુરતના ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ.૫૭ કરોડના એમ.ઓ.યુ. કર્યા હતા, જેનાથી અંદાજે ૩૫૦થી વધુ વ્યક્તિઓને રોજગારી મળશે.

વાયબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ની પ્રિ-ઈવેન્ટ સમાન આ સમિટમાં નિષ્ણાત વક્તાઓએ ઉદ્યમ રજિસ્ટ્રેશન, સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ, MSME, આત્મનિર્ભર ગુજરાત સ્કીમ-૨૦૨૨, ગુજરાત ટેક્ષટાઈલ પોલિસી-૨૦૧૯, ZED સર્ટિફિકેટ પ્રક્રિયા, વિવિધ ઈન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી સ્કીમ, બેન્કિંગ અને ફાયનાન્સ, PM માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝીસ (PMFME) સ્કીમ, ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ, જેમ અને જ્વેલરી ક્ષેત્રમાં રહેલી તકોની જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત, મધ્યમ અને નાના ઉદ્યોગકારો તેમજ રોકાણકારોને પેનલ ડિસ્કશન, સ્ટાર્ટઅપ, નેટવર્કીગ સેશન, બીટુબી અને બીટુસી મિટીંગ દ્વારા માર્ગદશન આપ્યું હતું.

આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ‘વાયબ્રન્ટ સમિટ’ ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે રહેલી અપાર સંભાવનાઓને ઉજાગર કરવાનું આગવું માધ્યમ બની છે. ગુજરાતમાં નવા ઉદ્યોગો વિકસે, નવી ટેકનોલોજી અને રોજગારની નવીન તકો ઉભી થાય એવા વિઝન સાથે બે દાયકા પહેલાં વડાપ્રધાનએ વાઈબ્રન્‍ટ સમિટનો વિચાર આપ્યો હતો, વડાપ્રધાનએ ૨૦ વર્ષ પહેલા રોપેલું વાયબ્રન્ટ સમિટનું બીજ આજે વટવૃક્ષ બન્યું છે. દેશભરમાં વિકાસના મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થઈ રહેલુ શાંત અને સૌમ્ય ગુજરાત દેશ-વિદેશના રોકાણકારો માટે ‘બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ’ બન્યું છે. અદ્વિતીય વિકાસથી ગુજરાતે સમગ્ર દેશને રાહ ચીંધી છે. રાજ્ય સરકારની હકારાત્મક નીતિઓના કારણે રોકાણકારો અહીં ઉદ્યોગો સ્થાપવા આકર્ષાઈ રહ્યા છે.

વધુમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટુ અર્થતંત્ર બન્યું છે, અને વર્ષ ૨૦૨૭ સુધીમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય સાકાર કરવામાં ગુજરાત મહત્વપૂર્ણ યોગદાન આપશે એમ જણાવી ‘સૌના સાથ, સૌના વિકાસ’ મંત્રથી રાજ્યને વિકાસના પથ પર વધુ અગ્રેસર બનાવવાના સાર્થક પ્રયાસો કરવા મંત્રીએ અનુરોધ કર્યો હતો.

મેયરશ્રી દક્ષેશ માવાણીએ મંત્રીશ્રી સહિત મહાનુભાવોને આવકારતા સુરત શહેરના વિકાસની ગાથા વર્ણવી હતી. સુરતનું સુદ્રઢ શહેરીકરણ, સુગ્રથિત વિકાસ, સ્વચ્છતા, પ્રજા અને પ્રશાસનના વિકાસોન્મુખ અભિગમની છણાવટ કરી હતી.

નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા આગામી જાન્યુઆરી-૨૦૨૪ દરમિયાન ગાંધીનગરમાં યોજાનાર ‘વાયબ્રન્ટ ગુજરાત સમિટ’ના ભાગરૂપે દરેક જિલ્લામાં તા.૨ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન વાયબ્રન્ટ ડિસ્ટ્રીકટ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. શે. જેના ભાગરૂપે આંત્રપ્રિન્યોરશીપ અંગે વિવિધ વિષયો ઉપર એક્ષપર્ટ સેમિનાર, પેનલ ડિસ્કશન અને ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

એક્ઝિબીશનમાં ૨૦ થી વધુ સ્ટોલ દ્વારા ઔદ્યોગિક એકમોને સહાય, યોજનાઓનું માર્ગદર્શન

સરસાણા કાર્યક્રમ સ્થળે આયોજિત એક્ઝિબીશનમાં ૨૦ થી વધુ સ્ટોલ દ્વારા ઔદ્યોગિક એકમોને સહાય, યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જેમાં ઉદ્યમ રજિસ્ટ્રેશન, સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ, MSME, આત્મનિર્ભર ગુજરાત સ્કીમ-૨૦૨૨, ગુજરાત ટેક્ષટાઈલ પોલિસી-૨૦૧૯, ZED સર્ટિફિકેટ પ્રક્રિયા, કોટેજ અને રૂરલ ઈન્ડસ્ટ્રીઝ સ્કીમ, બેન્કિંગ અને ફાયનાન્સ, PM માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝીસ સ્કીમ, ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ-(GEM), જેમ અને જ્વેલરી ક્ષેત્રે સહાય અને જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળે ૨૦ સ્ટોલોમાં એક્ઝિબીશન પણ યોજવામાં આવ્યું છે, જે તા.૮મી સુધી ખૂલ્લું રહેશે.

આ પણ વાંચો: અંબાજી ખાતે વન વિભાગ દ્વારા નવનિર્મિત ‘વન વિશ્રામ ગૃહ’નું મંત્રી મુળુભાઈ બેરાએ કર્યું લોકાર્પણ

Back to top button