વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024, CMની ઉપસ્થિતિમાં મુંબઈમાં યોજાશે ભવ્ય રોડ શો


જાન્યુઆરી 2024માં યોજાનાર ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ની 10મી શ્રેણી અંતર્ગત પ્રિ-વાઇબ્રન્ટ સમિટ સંલગ્ન વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અંતર્ગત આગામી 11મી ઓક્ટોબરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મુંબઈ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
મુંબઈ ખાતે યોજાનાર આ રોડ શોની માહિતી આપતા GIDCના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ રોડ શો મુખ્યત્વે બે ભાગમાં આયોજિત કરાયો છે. જેમાં પ્રથમ ભાગમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, TVS, ગોદરેજ, પાર્લે એગ્રો, એલ એન્ડ ટી સહિતની 12 જેટલી મોટી કંપનીઓના ટોચના ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રી વન ટુ વન બેઠક કરશે.

જ્યારે બીજા ભાગમાં 500થી વધુ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, મુંબઈ સ્થિત કોન્સોલેટ જનરલ, ડિપ્લોમેટ્સ સાથે મળીને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રોડ શો દરમિયાન મુખ્યમંત્રી દ્વારા તમામ ઉદ્યોગપતિઓ અને ડિપ્લોમેટ્સને ગુજરાત ખાતે આયોજિત થનાર વાઇબ્રન્ટ સમિટની વિસ્તૃત માહિતી આપવામાં આવશે. એટલું જ નહિ, ગુજરાતમાં રોકાણ માટેની ક્ષમતા અને તકો ઉપરાંત ઉદ્યોગ માટેની સરળ નીતિઓ અંગે ઉદ્યોગકારોને માહિતગાર કરવા માટે પ્રેઝન્ટેશન આપવામાં આવશે તેમ ગુપ્તાએ ઉમેર્યું હતું.