કુસ્તીબાજથી શિક્ષક અને ત્યારબાદ રાજકીય અખાડામાં ઉતરેલા મુલાયમ સિંહ વિશે જાણો
ઉત્તર પ્રદેશના દિગ્ગજ નેતા અને સમાજવાદી પાર્ટીના લિડર મુલાયમ સિંહ યાદવનુ 82 વર્ષની વયે નિધન થયુ છે. મુલાયમ સિંહની તબિયત લથડતા તેમને ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા હતા.
એક સમયના કુસ્તીબાજ મુલાયમ કુસ્તીબાજી કર્યા પછી ટીચિંગ પ્રોફેશનમાં આવી શાળામાં શિક્ષક તરીકે ભણાવતા હતા.ત્યારે શિક્ષક થી રાજકારણમા જોડાનાર મુલાયમ સિંહ યાદવની આ સફરને આપણે જાણીએ.
મુલાયમ સિંહનો જન્મ
મુલાયમ સિંહ યાદવનો જન્મ 22 નવેમ્બર 1939ના રોજ ઈટાવા જિલ્લાના સૈફઈ ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. ગામડાની ગલીથી દિલ્હી સુધીની સફર કરનાર મુલાયમ સિંહ ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, સાથે સાથે દેશના સંરક્ષણ મંત્રી પણ છે. જે પેહલા મુલાયમ સિંહએ પોતાના જીવનમાં ઘણી મુશકેલીઓ જોઈ છે. તેઓ ઘણી પાર્ટીઓમાં સામેલ હતા અને મોટા નેતાઓને માર્ગદર્શન પણ આપતા હતા. આ પછી તેમણે પોતાની પાર્ટી બનાવી અને યુપીમાં એક-બે વાર નહીં પરંતુ ત્રણ વાર સત્તા સંભાળી. તેમને યાદવોના નેતા તરીકે ઓળખવામાં આવ્યા.
રાજકારણમાં એન્ટ્રી
મુલાયમ સિંહે 1960ના દાયકામાં રામ મનોહર લોહિયા અને ચરણ સિંહ પાસેથી રાજકારણ શીખવાનું શરૂ કર્યું હતું. લોહિયાના માધ્યમથી જ તેમણે રાજકીય સફરની શરૂઆત કરી હતી. જણાવી દઈએ કે 1967માં લોહિયાની સંયુક્ત સમાજવાદી પાર્ટીએ મુલાયમ સિંહને ટિકિટ આપી હતી. જે બાદ તેઓ પહેલીવાર ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. આ પછી, તેઓ રાજ્યની રાજનીતિમાં પોતાનો અલગ રસ્તો બનાવતા ગયા. મુલાયમ સિંહે ઉત્તર પ્રદેશમાં અન્ય પછાત વર્ગના સમાજનું સામાજિક સ્તર ઊંચું લાવવામાં મહત્વપૂર્ણ કામ કર્યું હતું. સામાજિક ચેતનાના કારણે ઉત્તર પ્રદેશના રાજકારણમાં ઓબીસીનું મહત્વનું સ્થાન છે. સમાજવાદી નેતા રામસેવક યાદવના અગ્રણી શિષ્ય હતા અને તેમના આશીર્વાદથી મુલાયમ સિંહ 1967માં પ્રથમ વખત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને મંત્રી બન્યા.
1992માં તેમણે સમાજવાદી પાર્ટીની રચના કરી
1992માં તેમણે સમાજવાદી પાર્ટીની રચના કરી. તેઓ 5 ડિસેમ્બર 1989 થી 24 જાન્યુઆરી 1991, 5 ડિસેમ્બર 1993 થી 3 જૂન 1996 અને 29 ઓગસ્ટ 2003 થી 11 મે 2007 સુધી ત્રણ ટર્મ માટે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન રહ્યા હતા. આ સિવાય તેઓ કેન્દ્ર સરકારમાં રક્ષા મંત્રી પણ રહી ચૂક્યા છે.
1996 લોકસભા માટે ચૂંટાયા
1996 માં, મુલાયમ સિંહ યાદવ મૈનપુરી લોકસભા મતવિસ્તારમાંથી અગિયારમી લોકસભા માટે ચૂંટાયા હતા અને તે સમયે રચાયેલી સંયુક્ત મોરચાની સરકારમાં મુલાયમ સિંહનો સમાવેશ થતો હતો અને તે દેશના સંરક્ષણ પ્રધાન બન્યા હતા. આ સરકાર બહુ લાંબો સમય ચાલી નહીં. મુલાયમ સિંહ યાદવને વડાપ્રધાન બનાવવાની પણ વાત થઈ હતી. વડાપ્રધાન પદની રેસમાં તેઓ સૌથી આગળ હતા,
2012 પોતાના દમ પર સરકાર બનાવવી
2012માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને સંપૂર્ણ બહુમતી મળી હતી. આ પ્રથમ વખત હતો જ્યારે સપા ઉત્તર પ્રદેશમાં પોતાના દમ પર સરકાર બનાવવાની સ્થિતિમાં હતી. નેતાજીના પુત્ર અને સપાના પ્રદેશ અધ્યક્ષ અખિલેશ યાદવે બસપા સરકાર સામે ભ્રષ્ટાચારનો મુદ્દો જોર જોરથી ઉઠાવ્યો અને રાજ્યની સામે વિકાસનો એજન્ડા રાખ્યો. અખિલેશ યાદવના વિકાસના વચનોથી પ્રભાવિત થઈને તેમને સમગ્ર રાજ્યમાં વ્યાપક જનસમર્થન મળ્યું. ચૂંટણી પછી જ્યારે નેતૃત્વનો પ્રશ્ન ઊભો થયો ત્યારે નેતાજીએ વરિષ્ઠ સાથીદારો સાથે ચર્ચા કરીને અખિલેશ યાદવને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બનાવ્યા.
8 વખત ધારાસભ્ય અને 7 વખત સાંસદ બન્યા
- 1967માં લોહિયાની યુનાઈટેડ સોશ્યલિસ્ટ પાર્ટી તરફથી ટિકિટ મળી.
- 1968માં ચૌધરી ચરણ સિંહના ભારતીય ક્રાંતિ દળમાં જોડાયા
- 1980માં લોકદળનું પદ સંભાળ્યું
- 1985-87માં ઉત્તર પ્રદેશમાં જનતા દળના પ્રમુખ બન્યા
- 1989માં પ્રથમ વખત યુપીના મુખ્યમંત્રી બન્યા
- 1993-95માં બીજી વખત મુખ્યમંત્રી બન્યા
- 2003માં ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા અને ચાર વર્ષ સુધી રાજ્ય સંભાળ્યું
આ પણ વાંચો: સ.પા. સુપ્રીમો મુલાયમસિંહ યાદવની તબિયત નાજુક, ICU માં ખસેડાયા