ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહાર ભાજપના દિગ્ગજ નેતાને કેન્સર, ટ્વિટ કરીને આપી જાણકારી

Text To Speech

પટણા, 3 એપ્રિલઃ બિહાર ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન સુશીલ કુમાર મોદી કેન્સરથી પીડાઈ રહ્યા છે. સુશીલ કુમાર મોદીએ પોતે આજે બુધવારે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.

સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, તેઓ છ મહિનાથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. આ અંગેની જાણકારી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી છે અને કહ્યું છે કે, તેઓ લોકસભા ચૂંટણીમાં પ્રચારમાં સામેલ નહીં થઈ શકે.

મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, છેલ્લા છ મહિનાથી કેન્સરથી પીડાઈ રહ્યો છે. હવે લાગે છે કે લોકોને જાણ કરવાનો સમય આવી ગયો છે. લોકસભા ચૂંટણીમાં કશું કરી શકીશ નહીં. વડાપ્રધાનને બધી જાણ કરી છે. દેશ, બિહાર તથા પાર્ટીનો હંમેશાં આભારી અને સમર્પિત રહીશ.

યાદ રહે, સુશીલ કુમાર મોદી બિહારના રાજકારણના દિગ્ગજ નેતા છે. બિહારમાં ભાજપનો પાયો મજબૂત કરવામાં તેમની ઘણી મોટી ભૂમિકા છે. આ જ કારણે 2005થી 2013 સુધી તેઓ નીતિશકુમારના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારમાં નાયબ મુખ્યપ્રધાન તરીકે સેવા આપતા રહ્યા હતા. જોકે, ગયા વર્ષે નીતિશ કુમારે એનડીએ સાથે છેડો ફાડીને આરજેડી સાથે ગઠબંધન કર્યું ત્યારબાદ તેમણે નીતિશકુમારની ભારે ટીકા કરી હતી. પરંતુ નીતિશકુમાર ટૂંક સમયમાં જ એનડીએમાં પરત આવી જતા બિહારમાં ફરી તેમના નેતૃત્વમાં એનડીએની સરકાર બની. આ વખતની સરકારમાં ભાજપના બે નેતાને નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા છે, જેમાં સુશીલકુમાર મોદીનો સમાવેશ થતો નથી. મોદીને મંત્રી તરીકે પણ ક્યાંય સ્થાન મળ્યું નહોતું.

હવે તેમણે પોતે તેમની બીમારીની જાહેરાત કરી છે ત્યારે સ્થિતિ સ્પષ્ટ થઈ છે કે તેઓ છેલ્લા થોડા મહિનાથી કયા કારણસર સક્રિય રાજકારણથી દૂર હતા.

આ પણ વાંચોઃ બુલેટ ટ્રેનની ઝડપે દોડતી ભારતીય અર્થવ્યવસ્થા: વર્લ્ડ બેંકે GDP ગ્રોથનો અંદાજ વધાર્યો

Back to top button