દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીનું હેલ્થ અપડેટ જાહેર, જાણો ક્યારે મળશે રજા
કોલકાતા, 11 ફેબ્રુઆરી : હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની તબિયત બગડતાં શનિવારે કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, પ્રાથમિક સારવાર બાદ અભિનેતાની તબિયતમાં સુધારો થયો હતો. હાલમાં મિથુન ડોક્ટરોની દેખરેખમાં છે. રવિવારે સાંજે હોસ્પિટલ દ્વારા અભિનેતાની હેલ્થ અપડેટ જાહેર કરવામાં આવી હતી. હોસ્પિટલ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે તેમની તબિયતમાં સુધારો થયો છે અને તેઓ સ્વસ્થ છે.
મિથુનની તબિયત હવે સ્થિર છે
મેડિકલ ઓફિસરે વધુમાં કહ્યું કે, મિથુન હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ રહ્યો છે, તેણે હોસ્પિટલમાં એમઆરઆઈની સાથે ઘણા મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યા છે. તેમણે આજે હળવો ખોરાક લીધો છે અને હવે તેમની તબિયત સ્થિર છે. ડિસ્ચાર્જ પહેલાં, તેમને કેટલાક પરીક્ષણોમાંથી પસાર થવું પડશે, જે પછી તેઓ ઘરે જઈ શકશે.
શૂટિંગ દરમિયાન તબિયત બગડી હતી
નોંધનીય છે કે 73 વર્ષીય મિથુન ચક્રવર્તીને છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ શનિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી સમાચાર આવ્યા કે શૂટિંગ દરમિયાન થાક અને શરીરમાં પાણીની કમી હોવાને કારણે મિથુનની તબિયત બગડી હતી અને તેને ચક્કર આવવા લાગ્યા હતા.
પશ્ચિમ બંગાળ બીજેપી પ્રમુખે લીધી હતી મુલાકાત
દરમિયાન રવિવારે પશ્ચિમ બંગાળ બીજેપી ચીફ સુકાંત મજુમદાર મિથુન ચક્રવર્તીની હાલત પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં બંગાળ બીજેપી ચીફ મિથુનને મળ્યા હતા, જેની તસવીર પણ સામે આવી હતી, આ તસવીરોમાં મિથુન નેતા સુકાંત મજુમદાર સાથે વાત કરતા જોવા મળ્યા હતા. મીટિંગ બાદ મીડિયા સાથે વાત કરતા સુકાંતે કહ્યું, ‘તે હવે ઠીક છે, આવતીકાલે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે, ડોક્ટરોએ તેને આવતી કાલ પછી એક-બે દિવસ ઘરે આરામ કરવાનું કહ્યું છે’.