અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

દારૂની હેરાફેરીમાં પકડાયેલા વાહનોની હરાજી થશે, નાણાં ગરીબોની યોજનાઓ પાછળ ખર્ચાશે

ગાંધીનગર, 22 ઓગસ્ટ 2024, વિધાનસભા ગૃહમાં નશાબંધી સુધારા વિધેયક રજૂ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધીના કાયદામાં પોલીસ પ્રક્રિયા સરળ કરવા અને ગુનેગારોને અંકુશમાં રાખવા ઉપરાંત દારૂની હેરફેર કરતા વાહનો બીજી વાર ઉપયોગમાં ન થાય અને પોલીસ સ્ટેશનમાં પડી ભંગાર ન થાય તે મુખ્ય હેતુ સાથે આ પ્રકારના વાહનોની હરાજી કરીને તેના નાણાનો ઉપયોગ સમાજ હિત- સરકારી યોજનાઓ પાછળ કરાશે. આવા ભંગાર થયેલા વાહનોની હરાજી બાદ જો કોઈ વ્યક્તિ કોર્ટમાંથી નિર્દોષ સાબિત થાય અને તેનું વાહન હરાજીમાં વેચાઈ ગયું હોય તો જે તે માલિકને હરાજીમાં મળેલી રકમ વ્યાજ સાથે પરત આપવામાં આવશે.

ગુજરાતની સરહદમાં દારુ ન પ્રવેશે એ માટે કડક પગલાં
ગુજરાત એક એવું રાજ્ય છે કે જેની એક બોર્ડરે મધ્યપ્રદેશ, બીજી બાજુ રાજસ્થાન અને ત્રીજી બાજુ મહારાષ્ટ્ર છે. દીવ જેવા કેન્દ્રસાશિત શાસિત પ્રદેશો છે. અને આ બધા રાજ્યોની અંદર નશાબંધીની નીતિ નથી. ગુજરાત નશાબંધીની નીતિને વરેલું છે તેવા સંજોગોમાં આટલી વિશાળ સરહદ સાથે જોડાયેલા અન્ય રાજ્યોમાંથી પણ ગુજરાતની સરહદમાં દારુ ન પ્રવેશે એ માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.દારૂની હેરફેર વાહન વગર શક્ય નથી. મોટા ભાગના કિસ્સામાં પોલીસ દ્વારા જે દારૂ પકડવામાં આવ્યો હોય તે દારૂના જથ્થાની કિંમતથી અનેક ગણી વધુ કિંમત તે વાહનની હોય છે. જો આ વાહન છૂટી જાય તો તેનો ફરી વખત ગુનામાં ઉપયોગ થવાની શક્યતા રહેલી હોય છે.

પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલા વાહનોનો ભરાવો ઓછો થતો નથી
દારૂની હેરફેરના કેસોમાં છેલ્લા બે વર્ષમાં પોલીસ દ્વારા 22442 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને તે પૈકી આશરે 7213 વાહનો પોલીસ સ્ટેશન ખાતે હજુ પડતર છે. આ પ્રકારની વાહનોની હરાજી કરવાની સત્તા DySP કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે.આજની સ્થિતિએ ગુજરાતમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના ગુનાઓમાં 300 જેટલી લકઝુરીયસ કાર જપ્ત થયેલી પડી છે. આ કાયદામાં સુધારો થવાથી આ કારની હરાજીમાં કરોડોની રકમ પ્રાપ્ત થશે જે હજારો ગરીબ પરિવારો પાછળ ઉપયોગમાં લેવાશે. લાંબા સમય બાદ કોર્ટના આખરી ચુકાદા બાદ વાહન પરત કરવાનો હુકમ થયા બાદ પણ વાહન માલિક વાહન છોડાવવા આવતા નથી કારણ કે, લાંબા સમય બાદ વાહનની હાલત ખુબ જ બિસ્માર થઇ ગઇ હોય છે. તેથી પણ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલા વાહનોનો ભરાવો ઓછો થતો નથી.

આ કાયદો 20 લીટરથી વધારે દારુ પકડાય તેવા વાહનો માટે છે
વાહનો લાંબા સમય સુધી બંધ હાલતમાં બિનઉપયોગ સ્થિતિમાં પડ્યા રહેતા હોવાથી ખરાબ થઇ જવાથી વાહનોની વેલ્યુમાં સતત ઘટાડો થતો હોય છે. ઉપરાંત જપ્ત કરેલ વાહનોની જાળવણીનાં તેમજ રાખવા માટે જગ્યાનો પણ પ્રશ્ન ઉદભવે છે. આ પરિસ્થિતિ નિવારવા સમય મર્યાદામાં મોટી સંખ્યામાં જપ્ત કરેલ વાહનોનો યોગ્ય અને ઝડપી નિકાલ કરવો જરૂરી છે. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઇ પ્રવર્તમાન નિયમમાં સુધારો કરવો ખુબ જ જરૂરી અને અનિવાર્ય હોઈ આ બિલ લાવવામાં આવ્યુ છે. આ કાયદો 20 લીટરથી વધારે દારુ પકડાય તેવા વાહનો માટે છે. દારૂના મોટા પાયે વેપાર કરતા બુટલેગરોના વાહનો જપ્ત કરીને તેની હરાજી કરી આ રકમનો ઉપયોગ નાગરિકોને અપાતા યોજનાકિય લાભોમાં કરવા આ બિલ લાવવામાં આવ્યુ છે. હાલ રાજયમાં ગૌવંશના હેરફેરના કાયદા માટે વાહનોની હરાજી કરવાની જોગવાઈ છે. તેમાં વાહનોની હરાજી કેવી રીતે કરવી તેની માર્ગદર્શિકા છે. આ માર્ગદર્શિકા અને અન્ય મુદ્દાઓ ધ્યાને લઈને આના માટે નવા નિયમો બનાવવામાં આવશે.

આ પણ વાંચોઃરાજ્ય સરકારે 21978 લોકોને 262 કરોડની લોન આપી, 565 વ્યાજખોરો સામે કડક કાર્યવાહી

Back to top button