રાષ્ટ્રનિર્માણ માટે વૈદિકપીડિયાની જરૂર છેઃ દયાનંદ જયંતી નિમિત્તે સ્વામી ચિદાનંદજીએ કર્યું આહવાન
- 200મી જન્મજયંતી નિમિત્તે મહર્ષિ દયાનંદ સરસ્વતી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા કાર્યક્રમ યોજાયો
- શિક્ષા દીક્ષા અને સંસ્કારો સહિતના શિક્ષણના મહર્ષિજીના સપનાને સાકાર કરવા કટિબદ્ધ બનીએઃ યોગગુરૂ બાબા રામદેવજી
- વૈદિક જ્ઞાનની એક જ્યોત મહર્ષિજીના સ્વરૂપમાં ટંકારાની પાવન ભૂમિમાં પ્રગટ થઈ વિશ્વમાં ઝળહળીઃ ભાગવતાચાર્ય ભાઇ રમેશભાઈ ઓઝા
ટંકારા, 12 ફેબ્રુઆરી, 2024: ટંકારા ખાતે માનવતાના મહારથી અને કરૂણાના ભંડાર એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મ જયંતીની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ઉજવણીના આજે ત્રીજા દિવસે યોગગુરૂ બાબા રામદેવજી, કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા, સંત ચિદાનંદજી, આચાર્ય બાલકૃષ્ણજી સહિત સંતો મહંતોની ઉપસ્થિતિમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજી પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે યોગગુરૂ બાબા રામદેવજીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે મહર્ષિ દયાનંદ સરસ્વતીજી પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવા ૧૦૮ ગુરુકુળ બનાવીશું. શિક્ષા દીક્ષા અને સંસ્કારોના સાથેના શિક્ષણનું મહર્ષિએ સપનું જોયું હતું તે આપણે સાકાર કરવા કટિબદ્ધ બનીએ.
સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિમાં પણ વૈદિક શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહર્ષિજીએ જે સમાજ વ્યવસ્થા અને માનવ નિર્માણની ખેવના રાખી હતી તે આપણે વૈદિક જ્ઞાનની રોશની થકી સાકાર કરીશું. આપણે સાથે મળીને વેદનો ગુંજારવ વિશ્વ સુધી પહોંચાડવાનો છે.
આ પ્રસંગે કથાકાર ભાઇ શ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, વૈદિક જ્ઞાનની એક જ્યોત મહર્ષિ દયાનંદ સરસ્વતીના સ્વરૂપમાં ટંકારાની એ પાવન ભૂમિમાં પ્રગટ થઈ અને સમગ્ર વિશ્વમાં ઝળહળી. તેમણે વેદિક જ્ઞાનનો વિશ્વમાં ફેલાવો કર્યો અને પાખંડ પર પ્રહાર કર્યા. સનાતન ધર્મમાંથી કુરીતિઓ દૂર કરવાનું મહત્ત્વનું કાર્ય પણ તેમણે કર્યું.
આ પ્રસંગે સ્વામીશ્રી ચિદાનંદજીએ જણાવ્યું હતું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીજી ૨૦૦મી જન્મજયંતિ ઉજવણી પ્રસંગે સહભાગી બની આનંદની લાગણી અનુભવી રહ્યો છું. આજે એક પણ એવું ક્ષેત્ર નથી જેમાં સ્વામી દયાનંદજીએ કાર્ય કર્યું ન હોય. ધર્મ વિરોધી કૃતિઓની સામે બુલંદ આવાજ સ્વરૂપે સ્વામીજીએ “સત્યાર્થ પ્રકાસ” ગ્રંથની રચના કરી હતી. સ્વામીજીએ “વેદો તરફ પાછા વળો” મંત્ર આપી લોકોને ધર્મ અને સંસ્કૃતિ તરફ પાછા વળ્યા છે. સ્વામીજી એ સમયના સૌથી મોટા સમાજ સુધારક હતા.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રનિર્માણ માટે ગુરુકુળને જીવંત બનાવવા ખૂબ જ આવશ્યક છે. નારી શક્તિનો મહિમા વર્ણવતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે દેશના સર્વોચ્ચ પદ પર નારી શક્તિ બિરાજમાન છે. ઝાંસી કી રાણીની માત્ર પડદા પર નહિ પરંતુ પ્રવર્તમાન સમયમાં જરૂરી ગણાવી ઉપસ્થિત તમામ મહિલાઓને ઝાંસીની રાણી બનવા જણાવ્યું હતું. આજે રાષ્ટ્રનિર્માણ માટે વિકિપીડિયાની જેમ વૈદિકપીડિયાની જરૂર છે. ઉપસ્થિત તમામ લોકોને જીવનને યજ્ઞ બનાવવા અને જીવનની આહુતિ આપવી એજ સ્વામી દયાનંદજીને સાચી શ્રદ્ધાંજલિ હશે એમ જણાવ્યું હતું.
આ તકે ઉમેશ ભારદ્વાજ દ્વારા સ્વામી દયાનંદજીના જીવનકવન પર નિર્મિત ફિલ્મ “૧૮૫૭ ડાયરી, ધ હિડન પેજેસ” ના ટ્રેઈલર અને પોસ્ટરનું અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે સંતો મહંતો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ
ટંકારા: મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200 મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ
મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતી નિમિત્તે મહોત્સવ, પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયા