પેટાચૂંટણીઃ વાવમાં કોને ફરશે વાવટો? થોડીવારમાં શરૂ થશે મત ગણતરી
બનાસકાંઠા, તા.23 નવેમ્બર, 2024: વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તા.13 નવેમ્બર, 2024ના રોજ પર મતદાન થયું હતું. પેટાચૂંટણીમાં 70.55 ટકા જેટલું મતદાન થયું હતું. આજે પરિણામ જાહેર થશે. થોડીવારમાં મત ગણતરી શરૂ થશે.
ક્યાં થશે મત ગણતરી
સરકારી ઈજનેરી કોલેજ, જગાણા, તાલુકો પાલનપુર ખાતે હાથ ધરવામાં આવશે. મતગણતરી કેન્દ્ર ખાતે કુલ ૩૨૧ બુથની ૨૩ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી મતગણતરી માટે વિવિધ અધિકારી/કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. કુલ ૧૫૯થી વધુ અધિકારી/કર્મચારીઓ મતગણતરી પ્રક્રિયામાં ભાગ લેશે જેમાં ૫૯ કર્મચારીઓનો કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂક કરાઇ છે.
પોલીસનો ચાંપતો બંદોબસ્ત
સી.સી.ટી.વી કેમેરાથી સુસજ્જ મતગણતરી કેન્દ્ર ખાતે ૪૦૦ પોલીસ જવાનો, CAPF, SRP જવાનો ફરજ બજાવશે. આ સાથે મતગણતરી સંબંધી માહિતી અને ફરિયાદ માટે જિલ્લા કક્ષાએ એક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. આ માટે ૧૯૫૦ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે.
વાવામાં કેમ યોજાઈ પેટાચૂંટણી
વાવ વિધાનસભા બેઠક પર ગેનીબેન ઠાકોર વિધાન સભ્ય તરીકે ચૂંટાયા હતા. પરંતુ તેઓ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ તેમણે વાવના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ આ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. વાવ વિધાનસભા બેઠક તમામ રાજકીય પક્ષો માટે ખૂબ જ આબરૂના પ્રતિક સમી બની ગઈ છે.
કોણ કોણ ઉમેદવાર
વાવ બેઠક પર કુલ 10 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. અપક્ષમાંથી માવજી પટેલ, ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત વચ્ચે મુખ્ય ટક્કર હતી.