વાવ વિધાનસભા પેટા ચૂંટણી : આ વખતે થશે ત્રિ-પાંખીયો જંગ, શું છે BJP-કોંગ્રેસ અને અપક્ષના દાવા
વાવ, 9 નવેમ્બર : બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી આગામી 13 નવેમ્બરના રોજ યોજાવાની છે. જો કે ઉમેદવાર જાહેર થયા તે પૂર્વેથી અને ત્યારબાદ આ બેઠક ઉપર જાતિવાદનું રાજકારણ જોવા મળી રહ્યું છે. આ વખતે અહીં ત્રિ-પાંખીયો જંગ થવાનો છેે. જેેમાંં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવાર મેદાને છે. જેઓ તમામ સમાજના મતો અંકે કરવા છેલ્લી ઘડીના પ્રયાસો કરી રહ્યા છે.
ક્યારે યોજાશે ચૂંટણી ?
બનાસકાંઠાના વાવ વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર આગામી 13 નવેમ્બરે મતદાન થશે. જ્યારે 23 નવેમ્બરે પરિણામ આવશે. વાવ વિધાનસભા બેઠક પર નજર કરીએ તો વાવ બેઠક પર કુલ 3 લાખ 10 હજાર 681 મતદારો છે. જેમાંથી 1 લાખ 61 હજાર 293 પુરુષ મતદારો છે જ્યારે 1 લાખ 49 હજાર 387 મહિલા મતદારો છે. 321 મતદાન મથકો પર કુલ 1 હજાર 412 અધિકારીઓ ચૂંટણી ફરજ પર રહેશે.
કોણ છે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર
આ બેઠકના ભૂતકાળની જો વાત કરવામાં આવે તો વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં સ્વરુપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણીમાં હાર્યા હતા. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ગત 2022ની ચૂંટણી હાર્યા હતાા. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.
જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત જુના કાર્યકર છે. તેઓ ગુનાઇત છબી ધરાવે છે. આમ જોવા જઈએ તો તેઓ આયાતી ઉમેદવાર ગણી શકાય છે. તેઓ વર્ષ 2022માં થરાદ બેઠક ઉપરથી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સામે ચૂંટણી લડ્યા હતા પણ તેમની હાર થઈ હતી.
દરમિયાન આ બેઠક ઉપરથી અગાઉ ભાજપ અને કોંગ્રેસ બંનેમાં રહેલા માવજીભાઈ પટેલે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. માવજી પટેલનું મૂળ વતન વાવ તાલુકાનું આકોલી ગામ છે. તેઓ ચૌધરી સમાજમાંથી આવે છે. 1990માં તેઓ પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમની છબિ ખેડૂત નેતા તરીકેની પણ રહી છે. તેઓ કોંગ્રેસ અને ભાજપ એમ બન્ને પક્ષમાંથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. જો કે, આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ચૌધરી સમાજના ઉમેદવારને ટિકિટ ન આપતા ચૌધરી સમાજે માવજીભાઈ પટેલને ટેકો આપીને ભાજપની ઉંઘ હરામ કરી છે.
વાવ ઈજ્જતનો સવાલ, મોટા નેતાઓ મેદાને ઉતર્યા
ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ તેમણે વાવ બેઠક ઉપરથી રાજીનામું આપ્યું હતું. દરમિયાન આ બેઠક ઉપર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેના પગલે અહીં કોંગ્રેસ દ્વારા ગુલાબસિંહ રાજપૂત, ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. તો બીજી બાજુ પોતાને ટિકિટ ન મળતા પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ પણ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાને આવ્યા છે અને બંને પક્ષની ઊંઘ હરામ કરી દીધી છે. ત્યારે આ બેઠક જીતવી ઈજ્જતનો સવાલ બની ગઈ હોય તેમ અહીં બંને પક્ષે મોટા માથાઓ ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતાર્યા છે.
સી.આર.પાટીલ, શક્તિસિંહ ગોહિલે સભા યોજી
વાવની પેટાચૂંટણીનો જંગ જીવતા ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજોએ પ્રચારનો મોરચો સંભાળ્યો હતો. જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમજ અન્ય નેતાઓ, મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બીજી બાજુ કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક, કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ સભાઓ ગજવી હતી. આ ઉપરાંત વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને સાંસદ અને આ બેઠકના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો :- જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી લઘુમતીઓને અનામત નહીં મળે; અમિત શાહની ચેતવણી