અમદાવાદગુજરાતવિશેષ

ધોળકામાં વૌઠાના લોકમેળાનો આજથી પ્રારંભ, પશુધનનો વેપાર મેળાની ખાસ વિશેષતા

Text To Speech

અમદાવાદઃ જિલ્લાના ધોળકા તાલુકામાં સપ્ત નદીના સંગમ તટ એવા વૌઠા ગામે પ્રતિ વર્ષે કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી અતિ પ્રસિદ્ધ એવો લોકમેળો યોજાય છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સપ્તનદી સંગમ સ્થળે સ્નાન કરવા તેમજ ચકલેશ્વર મહાદેવ અને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી પાવન થવા આવતા હોય છે.વૌઠા લોક મેળાનો આજે પ્રારંભ થઇ રહ્યો છે, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે કરાયું હતું.

આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો આવશે
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણએ કહ્યું હતું કે, લોકમેળાનું આપણા સમાજજીવનમાં અનેરું મહત્ત્વ રહેલું છે. ગુજરાતમાં 1600થી પણ વધુ નાના મોટા મેળાઓ થાય છે. પહેલાના સમયમાં આવા મેળાનું આયોજન પંચાયત કરતી હતી. મેળામાં લાખોની સંખ્યામાં લોકો આવતા અનેક લોકો ધંધા રોજગાર માટે પણ આવતા હતા.પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો આવશે. અહીં પશુમેળો પણ યોજાય છે.

વહીવટીતંત્ર દ્વારા તમામ સુવિધાઓ પૂરી પડાશે
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આપણા શાસ્ત્રોમાં ઉત્સવની સાથે સાથે ધર્મને જોડ્યો છે. હું નાનપણથી આ મેળાનો સાક્ષી રહ્યો છું, હું આજ સુધી એક પણ મેળો ચૂક્યો નથી. ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ જણાવ્યું હતું કે,આ લોકમેળામાં બાળકોથી લઈને વડીલો સુધી તમામ લોકો આવીને આનંદ માણી શકે તે પ્રકારે વહીવટીતંત્ર દ્વારા તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.

વિશેષ આકર્ષણમાં પશુધનનો પણ વેપાર અહીં થાય છે
વૌઠાના મેળાની વિશેષતા એ છે કે, આ મેળો કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સતત પાંચ દિવસ સુધી સળંગ રાત-દિવસ ચાલુ રહે છે. જેમાં વિવિધ પ્રકારના મનોરંજન સ્ટોલો, ખાણી પીણીના બજાર, ખાદી ગ્રામોદ્યોગ જેવી સંસ્થાઓ, હસ્તકલા કારીગરીની વસ્તુઓનો વેપાર, સામાન્ય ચીજ – વસ્તુઓના સ્ટોલ પણ હોય છે. મેળાના વિશેષ આકર્ષણમાં પશુધનનો પણ વેપાર અહીં થાય છે. જેમાં ખાસ કરીને ગધેડા, ઊંટ, ઘોડાનો વેપાર થાય છે.

આ પણ વાંચોઃમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના પીરાણાથી રાજ્યવ્યાપી ‘રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવશે

Back to top button