ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનમાં ધારાસભ્યોને રિસોર્ટમાં બંધક રાખવાનો વસુંધરા રાજેના પુત્ર પર આક્ષેપ

જયપુર (રાજસ્થાન), 07 ડિસેમ્બર: રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામની અટકળો વચ્ચે પૂર્વ સીએમ વસુંધરા રાજેના પુત્ર પર ધારાસભ્યોને રિસોર્ટમાં ગોંધી રાખવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ચૂંટણી જીત્યા બાદ હજુ સુધી મુખ્યમંત્રીના ચહેરાને લઈ સસ્પેન્સ છે. આ દરમિયાન રિસોર્ટ પોલિટિક્સનો મુદ્દો સામે આવ્યો છે. બીજેપી ધારાસભ્ય લલિત મીણાના પિતા અને પૂર્વ ધારાસભ્ય હેમરાજ મીણાએ આ આક્ષેપ કર્યો છે. હેમરાજ મીણાનું કહેવું છે કે વસુંધરાના પુત્ર દુષ્યત સિંહે પાંચ ધારાસભ્યોને એક રિસોર્ટમાં રાખ્યા છે. સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે વસુંધરાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હાઈકમાન્ડના દરેક નિર્ણયને સ્વીકારશે.

હેમરાજ મીણા આક્ષેપ કરતાં કહ્યું કે, દુષ્યંત સિંહે ભાજપના ધારાસભ્યોને ‘અપનો રાજસ્થાન’ રિસોર્ટમાં રાખ્યા હતા. આ રિસોર્ટ જયપુરના સિકર રોડ પર આવેલો છે. દાવા મુજબ, ઝાલાવાડના ત્રણ અને બારણના ત્રણ ધારાસભ્યોને ત્યાં રાખવામાં આવ્યા હતા. હેમરાજ મીણાએ કહ્યું, મને જાણ થતાં જ હું મારા પુત્રને લેવા પહોંચી ગયો. ત્યાં ધારાસભ્ય કંવરલાલે કહ્યું કે, પહેલાં તમે દુષ્યંત સિંહ સાથે વાત કરશો તો તમે તમારા દીકરાને લઈ જઈ શકશો. ત્યારે અમે રાજસ્થાનના પ્રભારી અરુણ સિંહ, બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી અને સંગઠન મહાસચિવ ચંદ્રશેખરને જાણ કરી.

હેમરાજ મીણાના કહ્યા પ્રમાણે પોલીસને બોલવતા તેમના પુત્ર લલિત મીણાને છોડવામાં આવ્યા હતા. એવું કહેવાઈ રહ્યું છે કે, બાકીના  ધારાસભ્યોને વસુંધરા જૂથ દ્વારા બીજે ક્યાંક ખસેડવામાં આવ્યા છે.  તેમાં કમલનાલ મીણા, કાલુલાલ, રાધેશ્યામ બેરવા અને ગોવિંદ સામેલ છે.

પરિણામો બાદ વસુંધરા એક પછી એક ધારાસભ્યોને મળ્યા

રાજસ્થાનમાં ભાજપની જીત બાદ વસુંધરા 20થી વધુ ધારાસભ્યોને મળ્યા હતા. આ પછી વસુંધરા જૂથે દાવો કર્યો હતો કે તેમની પાસે 68 ધારાસભ્યોનું સમર્થન છે. આ સિવાય કેટલાક અપક્ષો પણ તેમની સાથે હોવાનો દાવો કર્યો હતો. જો કે બુધવારે સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે ધારાસભ્યો સાથેની બેઠક બાદ વસુંધરાએ ભાજપ હાઈકમાન્ડ સાથે ફોન પર વાત કરી હતી. આમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે તે પાર્ટીની શિસ્તબદ્ધ કાર્યકર છે અને ક્યારેય પાર્ટીની મર્યાદા નહીં ઓળંગે.

રાજસ્થાનના સીએમ પદની રેસમાં કોણ?

રાજ્યમાં સીએમ પદની રેસમાં ભાજપ તરફથી ઘણા ચહેરાઓ છે. વસુંધરા રાજે સિવાય આમાં પહેલું નામ બાલકનાથનું છે. આ યાદીમાં બીજું નામ જયપુરના રાજવી પરિવારની રાજકુમારી દિયા કુમારીનું છે. આ બંને લોકસભાના સભ્ય છે. આ સાથે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું નામ પણ ચર્ચામાં છે.

આ પણ વાંચો: રેવંત રેડ્ડી બન્યા તેલંગાણાના નવા મુખ્યમંત્રી, 11 મંત્રીઓએ લીધા શપથ

Back to top button