અમદાવાદમાં “વસુધૈવ કુટુંબકમ્ કી ઓર” સંમેલનનું આયોજનઃ દેશની ટોચની થિંકટેક કરશે વિચારવલોણું
અમદાવાદ, 12 ડિસેમ્બર, 2024: અસમાનતા, યુદ્ધ, વિવિધ દેશો વચ્ચેની રાજકીય દુશ્મનાવટ અને ગ્લોબલ વોર્મિંગ જેવા મુદ્દા આજે માનવજાત ઉપર હાવી થયા છે. આ બધાં કારણોસર ઊભી થયેલી તંગદિલીમાં હવે સાયબર એેટેક અને સાયબર વૉરનો પણ ખતરો ઊભો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં વિશ્વને શાંતિનો માર્ગ બતાવવો જરૂરી બન્યો છે. આ કામ ભારત સિવાય કોઈ કરી શકે તેમ નથી. દેશનું વર્તમાન રાજકીય નેતૃત્વ વસુધૈવ કુટુંબકમની વાત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર વારંવાર કરે છે. પરંતુ આખા વિશ્વમાં આ ભાવના ફેલાવવાનું કામ એટલું ગંજાવર છે કે માત્ર રાજકીય નેતૃત્વથી તે થઈ શકે તેમ નથી. એક દુનિયા, એક પરિવારની ભાવનાનો સાર લોકોના હૃદય સુધી પહોંચાડવો હોય તો બીજા અનેક લોકોએ વિવિધ સ્તરે કામગીરી કરવી પડે. આવું જ કામ જૈનાચાર્ય યુગભૂષણસૂરિજી મહારાજ કરી રહ્યા છે.
વાસ્તવમાં જૈનાચાર્ય યુગભૂષણસૂરિજી મહારાજ છેલ્લા ત્રણેક વર્ષથી “વસુધૈવ કુટુંબકમ્ કી ઓર” વિષય ઉપર ચિંતન, મનન કરવા ઉપરાંત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની સાથે મળીને મંથન કરી રહ્યા છે. આ વિષય ઉપર પ્રથમ 2022માં મુંબઈમાં અને ત્યારબાદ 2023માં વડોદરામાં કોન્કલેવ યોજાઈ ચૂકી છે. એ જ શ્રેણીમાં ત્રીજી કોન્કલેવલ આગામી 14 અને 15 ડિસેમ્બરે અમદાવાદમાં યોજાઈ રહી છે.
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
શહેરના પાલડી વિસ્તારમાં ગીતાર્થ ગંગા ઉપાશ્રય ખાતે યોજાનાર આ સંમેલન અંગે એચડી ન્યૂઝ સાથેની વાતચીતમાં સંસ્થાના અગ્રણીઓ કહ્યું કે, બે દિવસ સુધી મહારાજશ્રીની હાજરીમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો “વસુધૈવ કુટુંબકમ્” જેવા વ્યાપક વિષયના કાનૂની તેમજ આંતરરાષ્ટ્રીય જીઓ પોલિટિકલ પાસાં અંગે ચર્ચા-વિચારણા કરશે.
સંમેલનનું આયોજન 2009માં સ્થાપિત સ્વૈચ્છિક સંગઠન “જ્યોત”ના નેજા હેઠળ થાય છે અને આ વર્ષના સંમેલનમાં વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન (VIF), ઈન્ડિયા ફાઉન્ડેશન, ગીતાર્થ ગંગા, મહારાષ્ટ્ર નેશનલ લૉ યુનિવર્સિટી (મુંબઈ), નિરમા યુનિવર્સિટી (અમદાવાદ), નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ (NIMCJ) જેવાં પ્રતિષ્ઠિત સંસ્થાનો પણ પાર્ટનર તરીકે જોડાયા છે.
વૈશ્વિક શાંતિ અને સ્થિરતાની નિસબત સાથે યોજાઈ રહેલી આ ત્રીજી આવૃત્તિમાં પ્રાચીન શાસ્ત્રો, સમકાલીન વિચારો તથા વૈશ્વિક શાસન વ્યવસ્થાના પડકારોની ચર્ચા કરવામાં આવશે. જેમાં ભૂતપૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુ, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ એમ.આર. શાહ, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલો આર્યમા સુંદરમ્, ગોપાલ શંકર નારાયણ, અને દેવદત્ત કામત, સોલિટિટર જનરલ વિક્રમજીત બેનરજી, ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ દેવાંગ નાણાવટી, બોમ્બે હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ મોહિત શાહ, દેશના ભૂતપૂર્વ મુખ્ય માહિતી કમિશનર યશવર્ધનકુમાર સિંહા, વરિષ્ઠ વકીલ પરસીવલ બિલ્લીમોરીયા, ઈન્ડિયા ફાઉન્ડેશનના નિર્દેશક અસોક બંસલ, ડૉ. રાજીવ નયન સહિત મહાનુભાવો વિચારમંથન કરશે.
વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે, આ સંમેલન 79મા આધ્યાત્મિક અગ્રણી જૈનાચાર્ય યુગભૂષણસૂરિજીના માર્ગદર્શનથી પ્રેરિત છે. તેઓ સમકાલીન વૈશ્વિક મુદ્દાઓને આધ્યાત્મિક જ્ઞાન સાથે જોડીને એક એવી વૈશ્વિસ વ્યવસ્થાનું સ્વપ્ન જોઈ રહ્યા છે જ્યાં દેશ-દેશ વચ્ચે, રાજ્ય-રાજ્ય વચ્ચે, સમુદાય-સમુદાય વચ્ચે અને એ રીતે માણસ-માણસ વચ્ચે ભેદભાવ અને તંગદિલી ન હોય. આ માટે અત્યાર સુધી જે બે સંમેલન થયાં તેના આધારે જ્યોત સંસ્થા દ્વારા 23 રાજદ્વારી એમ્બસીનો વ્યક્તિગત સંપર્ક કરીને તેમની સમક્ષ આ ચાર્ટર રજૂ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં પણ આ વિષય ચર્ચા માટે મૂકવામાં આવ્યો છે તેમ મહારાજશ્રીએ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ ભારતની એફડીઆઈ 1 ટ્રિલિયન ડોલરને આંબી ગઈ
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X