આઝાદી માટે પ્રથમ સૈન્ય બનાવનાર ક્રાંતિકારી વાસુદેવ બળવંત ફડકેનો આજે જન્મદિવસ : જાણો તેમનાં ત્યાગ અને બલિદાન વિશે
ક્રાંતિકારી વાસુદેવ બળવંત ફડકે એ ભારતને આઝાદ કરવા શહીદી આપનારાઓમાં એક એવું નામ છે, જેમણે પોતાનું આરામદાયક જીવન છોડી દીધું અને અંગ્રેજો દ્વારા ભારતીયો પર થઈ રહેલા અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો અને બ્રિટિશ સરકારને હચમચાવી દીધી હતી.
તેમણે કહ્યું હતું કે , “ભૂખથી મરી રહેલા લોકોને હું કેવી રીતે બચાવી શકું, હું ઘણા વર્ષોથી આ વિશે વિચારી રહ્યો છું. આ બધા બાળકો એ ભૂમિના છે જેનો હું પુત્ર છું. આ લોકો ભૂખ્યા પેટે મરતા રહે અને આપણે પેટ ભરતા રહીએ, એ મારાથી દેખાતું નથી. તેથી મેં બ્રિટિશ સરકાર સામે સશસ્ત્ર બળવો જાહેર કર્યો. વાસુદેવ બળવંત ફડકે ભારતના પ્રથમ ક્રાંતિકારી હતા જેમણે અંગ્રેજ સરકાર સામે સશસ્ત્ર બળવો કર્યો અને ભારતનું પહેલું સશસ્ત્ર દળ બનાવ્યું હતું. તેણે પોતાની નોકરી છોડીને અને યુવાન પત્ની તેમજ નાની છોકરી પ્રત્યેના પ્રેમને ભૂલીને બ્રિટિશ શાસનનો અંત લાવવાની પહેલ કરી હતી.
વાસુદેવ ફડકેનાં ત્યાગ
4 નવેમ્બર, 1845 ના રોજ મહારાષ્ટ્રના કોલાબા જિલ્લાના શિરધોને જન્મેલા, વાસુદેવના પિતા બળવંત અને માતા સરસ્વતીબાઈ એક સમૃદ્ધ અને શ્રીમંત પરિવારના હતા. તેમનું બાળપણ ધનવાન પરિવારમાં વીત્યું હતું. અભ્યાસ પૂરો કર્યા પછી, તેને ક્લાર્કની નોકરી મળી, જ્યાં તેમને તે સમયે દર મહિને 60 રૂપિયાનો પગાર મળતો હતો. ટૂંક સમયમાં લગ્ન થયા અને તેઓ બાળકનાં પિતા બન્યાં. તેની પ્રથમ પત્નીના વહેલા મૃત્યુને કારણે, તેમણે બાળકની સંભાળ રાખવા માટે બીજા લગ્ન કરવા પડ્યા.
તે દિવસોમાં વહેલી સવારે અને સાંજે અખાડામાં જતા, કુસ્તીની યુક્તિઓ શીખતાં. અખાડામાં ફડકેના ભાગીદાર જ્યોતિબા ફૂલે હતા, જેઓ મહારાષ્ટ્રના પ્રખ્યાત સમાજ-સુધારક નેતા હતા. તેમના સિવાય તેઓ ગોવિંદ રાનડેથી પણ ખૂબ પ્રભાવિત હતા અને તેમણે નોકરી છોડીને યુવાનોને સંગઠિત કર્યા હતા. તેમનો અખાડો જંગલમાં બનેલા મંદિરના પ્રાંગણમાં હતો. ત્યાં શસ્ત્ર કવાયત પણ કરવામાં આવી હતી. અહીં શીખવા આવનારાઓમાં બાળ ગંગાધર તિલક પણ હતા, જેમણે સ્વતંત્રતા મેળવવા માટે સશસ્ત્ર માર્ગ અપનાવ્યો હતો.
અંગ્રેજો સામે બળવો કરવા લોકોને જાગૃત કર્યા
અંગ્રેજો સામે બળવો કરવા લોકોને જાગૃત કરવાનું કામ વાસુદેવ બળવંત ફડકેએ કર્યું હતું. મહારાષ્ટ્રની કોળી, ભીલ અને ધાંગડ જાતિઓને એકત્ર કરીને તેમણે ‘રામોશી’ નામનું ક્રાંતિકારી સંગઠન બનાવ્યું. તેઓએ આ મુક્તિ સંગ્રામ માટે નાણાં એકત્ર કરવા અંગ્રેજો અને શાહુકારોને લૂંટ્યા. જ્યારે તેમણે પુણે શહેરને થોડા દિવસો માટે પોતાના નિયંત્રણમાં લીધું ત્યારે તેમને વિશેષ ખ્યાતિ મળી હતી.
તેમની સેનાનો જબરદસ્ત પ્રભાવ મહારાષ્ટ્રના 7 જિલ્લામાં ફેલાયો હતો. 13 મે, 1879ના રોજ એક સરકારી ઈમારતમાં તેમની સાથે અંગ્રેજોની બેઠક ચાલી રહી હતી. વાસુદેવ ફડકે તેમના સાથીઓ સાથે ત્યાં પહોંચ્યા અને અંગ્રેજ અધિકારીઓને મારી નાખ્યા અને ઇમારતને આગ લગાડી દીધી. તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સામે બ્રિટિશ સરકાર ધ્રૂજી ઊઠી. તેમની ધરપકડ માટે ઘણી યોજનાઓ બનાવવામાં આવી, પરંતુ ચતુરાઈ અને હિંમતથી તેઓ દર વખતે તેમને ઠુકરાવી દેતા.
અંગ્રેજોએ તેમને પકડવા માટે 50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું
અંગ્રેજોએ તેમને મૃત કે જીવતો પકડવા માટે 50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું, પરંતુ બીજા જ દિવસે મુંબઈમાં વાસુદેવની સહી સાથે જાહેરાતો મુકવામાં આવી કે જે અંગ્રેજ અધિકારી રિચર્ડનું માથું કાપીને લાવશે તેને 75 હજાર રૂપિયા ઈનામ આપવામાં આવશે. અંગ્રેજો આનાથી વધુ આઘાત પામ્યા. પોલીસે તેમની શોધમાં સ્થળે સ્થળે દરોડા પાડવાનું શરૂ કર્યું હતું વાસુદેવ ફડકેને દેશદ્રોહી જાહેર કરવામાં આવતાં 20 જુલાઈ, 1879ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
અંતિમ દિવસો
ધરપકડ બાદ તેઓને પુનાની જેલમાં રખાયા. 22 ઓક્ટોબર 1879ના રોજ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. રાજદ્રોહ, સરકાર સામે બળવો અને હત્યાના આરોપસર તેમને ફાંસીની સજા ફટકારવામાં આવી. ફડકેના વકીલ કાકા તરીકે જાણીતા ગણેશ વાસુદેવ જોશી હતા.તેમણે ફડકેની સજાને આજીવન કારાવાસમાં ફેરવવામાં સફળતા મેળવી. કોર્ટના ચુકાદા બાદ ફડકે અને તેમના સાથીઓને સંગમ પુલ નજીક જિલ્લા સત્ર ન્યાયાલય જેલ ભવન (હાલ સીઆઇડી ભવન) ખાતે રાખવામાં આવ્યા. 31 ઓક્ટોબર 1880ના રોજ તેઓ કારાગૃહમાંથી ભાગી છૂટ્યાં. પરંતુ તેમને ફરીથી પકડી પાડવામાં આવ્યા. તેઓ ભૂખ હડતાળ દરમિયાન 17 ફેબ્રુઆરી 1883ના રોજ તેઓ એડનની જેલમાં જ શહીદ થયાં.
વાસુદેવ ફડકેના સન્માન
ઈ.સ. 1984માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા વાસુદેવ ફડકેના સન્માનમાં 50 પૈસાની એક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.આ સિવાય ડિસેમ્બર 2007માં ગજેન્દ્ર આહિરે દ્વારા વાસુદેવ બલવંત ફડકે નામની એક મરાઠી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી.