ચાઇનીઝ દોરીના વેચાણ અંગે વસ્ત્રાપુર પોલીસનો સબ સલામતનો દાવો
અમદાવાદ શહેરમાં હાલ ઠેર ઠેર ચાઇનીઝ દોરીનું વેચાણ થઇ રહ્યું છે તો બીજી તરફ પોલીસ પણ આ દોરીનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ કરી રહ્યું છે. આજે હમ દેખેંગે ન્યૂઝની ટીમે વસ્ત્રાપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એ.કે. ડાંગર સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે, વસ્ત્રાપુર વિસ્તારમાં હાલ આવા કોઈ મોટા કેસો સામે આવ્યા નથી કે વેચાણની પણ કોઈ માહિતી મળેલ નથી. અત્યાર સુધી માત્ર શુક્રવારે એક ઘટના સામે આવી છે.
આ પણ વાંચો : હવે બોલિવુડમાં ‘સેક્સ એજ્યુકેશન’ જેવા ગંભીર મુદ્દા પર થશે વાત : રકુલ પ્રીત સિંહે કરી પહેલ
વસ્ત્રાપુર પીઆઈએ જણાવ્યું કે, બાતમીના આધારે એક શખ્સને ચાઇનીઝ દોરી સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. બાદમાં તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે અમદાવાદ પૂર્વમાંથી આ દોરી વસ્ત્રાપુર ઔડા વિસ્તારમાં આપવા આવ્યો હતો. વધુમાં તેમને ઉમેર્યું હતું કે અમદાવાદ પશ્ચિમ વિસ્તારના લોકોમાં હાલ આ પ્રકારની દોરીનું ચલણ જોવા મળ્યું નથી. અહીંના લોકોમાં આ અંગેની સમજણ પણ જોવા મળી છે. જેથી તેઓ આવી દોરીનો વપરાશ કરવામાં માનતા નથી. જો કે ખાસ વાત એ છેકે અહીં રહેતા લોકો ઉત્તરાયણ સમયે અમદાવાદ પૂર્વમાં ધાબા ભાડે રાખી ત્યાં ઉત્તરાયણ કરવા જતા હોવાની વાત તેમને કરી હતી.
આ પણ વાંચો : મેટ્રો શરૂ થયાના 3 મહિનામાં AMCને થઈ કરોડોની આવક, ઈસ્ટ-વેસ્ટ કોરિડોરથી સૌથી વધુ કમાણી
વસ્ત્રાપુર પોલીસ મથકની હદમાં આવતા વિસ્તારમાં ડ્રગ્સ અને ગાંજા અંગે વાત કરતા તેમને કહ્યું કે, હું ત્રણ મહિનાથી જ અહીં ફરજ બજાવી રહ્યો છું, આ દરમિયાન થોડાં સમય અગાઉ એક MD ડ્રગ્સનો કેસ સામે આવ્યો હતો જેની તપાસ હજુ ચાલુ છે. બાકી હાલમાં નવા કોઈ કેસ સામે આવ્યા નથી. તેમજ અહીં કોઈ પણ ફરિયાદ પણ સામે આવી નથી.