વંદે ભારત ટ્રેનને મળ્યું વાપીનું સ્ટોપ, શેડયુઅલમાં થયો ફેરફાર, જાણો નવું ટાઈમટેબલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી વંદે ભારત ટ્રેનના સમયમાં ફેરફાર થયો છે. આ ટ્રેનને વાપીનો વધુ એક સ્ટોપ આપવામાં આવ્યું છે. જેના કારણે તેના સમયપત્રકમાં સુધારો આવ્યો છે. રેલ મંત્રાલય દ્વારા આ ટ્રેનનું નવું ટાઈમટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. એક ટ્વીટ દ્વારા માહિતી આપતા પશ્ચિમ રેલ્વેએ જણાવ્યુ હતુ કે, ‘રેલ્વે મંત્રાલયે 26 ઓક્ટોબરથી વંદે ભારત ટ્રેન મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર રાજધાની – મુંબઈ સેન્ટ્રલને વાપી સ્ટેશન પર સ્ટોપેજ આપવાની સાથે સમય બદલવાનો પણ નિર્ણય કર્યો છે.’
શું છે સુધારવામાં આવેલું ટાઈમટેબલ ?
રેલ્વે મંત્રાલયે મુંબઈ અને ગુજરાતની રાજધાની ગાંધીનગર વચ્ચે દોડતી સેમી હાઇસ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ બદલ્યાં છે. મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસને વાપી સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જેના પગલે ટ્રેનના ટાઈમટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને નવા ટાઇમ ટેબલ મુજબ મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી સવારે 6.10 વાગ્યે ઉપડશે અને ગાંધીનગર કેપિટલ 12.25 વાગ્યે પહોંચશે. આ ટ્રેન હવે વાપી સ્ટેશનના નવા સ્ટોપેજ પર બે મિનિટ માટે ઉભી રહેશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન વાપી સ્ટેશને 8.04 કલાકે પહોંચશે અને બે મિનિટ રોકાયા બાદ રવાના થશે. આ ટ્રેન 9 વાગે સુરત સ્ટેશન પહોંચશે જ્યાં તેનું ત્રણ મિનિટનું સ્ટોપેજ છે. આ ઉપરાંત વંદે ભારત ટ્રેન વડોદરા જંકશન પર 10.13 કલાકે પહોંચશે અને 10.16 કલાકે ઉપડશે. ત્યારે નવા ટાઈમ ટેબલ મુજબ ટ્રેન 20.15 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.