ભોપાલમાં પણ હવે આ ત્રણ રૂટ પર દોડશે વંદે ભારત મેટ્રો, જાણો સંપૂર્ણ માહિતી
- 200 કિલોમીટરની રેન્જમાં આવતા સ્ટેશનો માટે શરૂ થશે વંદે ભારત મેટ્રો
- આરામદાયક અને સસ્તી મુસાફરીનાં વિકલ્પો કરશે પ્રદાન
ભોપાલ, 23 મે: દેશની સૌથી લોકપ્રિય ટ્રેન વંદે ભારતના ચાહકો માટે સારા સમાચાર છે. ભારતીય રેલવે 200 કિલોમીટરની રેન્જમાં આવતા મહત્ત્વનાં સ્ટેશનો વચ્ચે વંદે ભારત મેટ્રો સેવા શરૂ કરવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે વંદે ભારત મેટ્રો સેવા નવી દિલ્હી અને આગ્રા વચ્ચે શરૂ કરવામાં આવશે. એ જ રીતે વંદે ભારત મેટ્રો ટ્રેન મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી 200 કિલોમીટરની રેન્જમાં આવતા સ્ટેશનો માટે શરૂ કરવામાં આવશે. આ વંદે ભારત મેટ્રો સેવા ભોપાલથી બેતુલ, સાગર અને શાજાપુર સુધી શરૂ કરવામાં આવશે.
ભોપાલ વંદે ભારત મેટ્રો રૂટ
ભોપાલથી ચાલતી વંદે ભારત મેટ્રો ટ્રેનના રૂટની વાત કરીએ તો, પહેલી ટ્રેન ભોપાલથી હોશંગાબાદ-ઈટારસી થઈને બેતુલ સુધી ચાલશે, જ્યારે બીજી ટ્રેન ભોપાલથી બીના થઈને સાગરને જોડશે. ત્રીજી ટ્રેન સિહોર થઈને શાજાપુર જશે.
ભોપાલ વંદે ભારત મેટ્રોનો આગામી ટાઈમ ટેબલ અને સ્પીડ
વંદે ભારત મેટ્રો ટ્રેનનું વિગતવાર શેડ્યૂલ જૂનના અંત સુધીમાં જાહેર થવાની અપેક્ષા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સેવા જુલાઈમાં શરૂ કરવામાં આવશે. આ ટ્રેનો સરેરાશ 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવાનો અંદાજ છે, જે મુસાફરો માટે મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે.
શું હશે સુવિધાઓ?
પરંપરાગત એસી ટ્રેનોથી વિપરીત, વંદે ભારત મેટ્રો ટ્રેનમાં સ્લીપર કોચ હશે જે આરામદાયક અને સસ્તી મુસાફરીનાં વિકલ્પો પ્રદાન કરશે. દરેક ટ્રેનમાં 8 થી 10 કોચની અપેક્ષા રાખવામાં આવે છે, જે મુસાફરો માટે પૂરતી બેઠક ક્ષમતા સુનિશ્ચિત કરે છે. હાલમાં, રેલવે મધ્ય પ્રદેશ રાજ્યમાં વિવિધ મુખ્ય સ્થળોને જોડતી ચાર વંદે ભારત ટ્રેન ચલાવે છે. રેલવે દ્વારા ત્રણ વધારાની વંદે ભારત મેટ્રો ટ્રેનની રજૂઆત સમગ્ર પ્રદેશમાં રેલ કનેક્ટિવિટી વધારવા અને પરિવહન કાર્યક્ષમતામાં સુધારો કરવાના સંયુક્ત પ્રયાસને પ્રતિબિંબિત કરે છે.
ટૂંક સમયમાં શરૂ થશે ટ્રાયલ
ભારતીય રેલવે જુલાઈમાં યોજાનારી ટૂંકા અંતરની વંદે મેટ્રો ટ્રેનના ટ્રાયલ રન સાથે એક નવી મુસાફરી શરૂ કરવા જઈ રહી છે. આ સિવાય વંદે ભારતના સ્લીપર વર્ઝનનું ટ્રાયલ આવતા મહિને શરૂ થશે. ટ્રાયલ 1,000 કિલોમીટરથી વધુના રૂટને આવરી લેશે. વંદે મેટ્રો ટ્રેન, 100-250 કિલોમીટરના અંતર માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે લગભગ 124 શહેરો વચ્ચે જોડાણ સ્થાપિત કરશે.
આ પણ વાંચો: PAK માટે જાસૂસી કરતો આરોપી પોરબંદરથી ઝડપાયો, આ રીતે મોકલતો હતો માહિતી