ગાંધીનગર-મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે. જેમાં આજે ગુજરાતના આણંદ સ્ટેશન નજીક એક ગાયને અથડાઈ હતી. તેથી ટ્રેનની આગળની પેનલને નજીવું નુકસાન થયું છે. તેમ એક અધિકારીએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ અમદાવાદ ખાતે વટવા પાસે ભેંસો સાથે અકસ્માત થયો હતો. તેમાં નવી શરૂ થયેલી સેમી-હાઈ સ્પીડ ટ્રેને ચાર ભેંસોને ટક્કર મારી હતી અને તેના એન્જીનનો આગળનો ભાગ બદલવો પડ્યો હતો. તે રાતોરાત રીપેર કરી ફરી ટ્રેન ચલાવાઇ હતી.
એન્જિનના આગળના ભાગની પેનલ પર નુકસાન
રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે એન્જિનનો આગળની ભાગના પેનલ પર નાના ડેન્ટ સિવાય તાજેતરની ઘટનામાં ટ્રેનને મોટું નુકસાન થયું નથી. શુક્રવારે આ ઘટના મુંબઈથી લગભગ 432 કિમી દૂર આણંદ નજીક બપોરે 3.48 કલાકે બની હતી. તેમાં પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે પુષ્ટિ કરી કે, ટ્રેનના આગળના ભાગમાં એક નાનો ગોબો પડ્યો છે અને તમામ મુસાફરો સુરક્ષિત છે.
સેમી-હાઈ-સ્પીડ ટ્રેને ચાર ભેંસોને ટક્કર મારી હતી
ગઇકાલની ઘટનાની વાત કરીએ તો નવી શરૂ થયેલી સેમી-હાઈ-સ્પીડ ટ્રેને ચાર ભેંસોને ટક્કર મારી હતી, અને તેનો આગળનો ભાગ તૂટી ગયો હતો. ચાર ભેંસોના મોત થયા હતા પરંતુ આજની અથડામણમાં સામેલ ગાયની હાલત હજી જાણી શકાઈ નથી.
ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે
આધુનિક ટેક્નિકની વાત કરીએ તો આ ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઇન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઇડ કેમેરા, તમામ કોચમાં એસ્પિરેશન આધારિત ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો કરવામાં આવ્યા છે.