વલસાડ જિલ્લામાં ગઈકાલે રાત્રે એક કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા અને બે લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે, સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કંપનીમાં સોમવારે રાત્રે લગભગ 11 વાગ્યે વિસ્ફોટ થયો હતો. હાલમાં બ્લાસ્ટનું કારણ જાણી શકાયું નથી. વલસાડના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, પેટ્રો કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી. તેમણે કહ્યું કે બંને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ મૃતકોની ઓળખ થઈ શકી નથી.
ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યો
વલસાડના સરીગામ જીઆઇડીસીમાં ગત મોડી રાત્રે સામે આવેલા આગના બનાવ બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી મોટી સંખ્યામાં કાફલો ફેકટરી પાસે દોડી આવ્યો હતો. બીજી તરફ આ ઘટનાના પગલે સ્થળ ઉપર અફરાતફરી મચી ગઇ હતી. જેથી કોઈ વધુ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગને પણ જાણ કરાઈ હતી. મોટી સંખ્યમાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
વહીવટી તંત્ર સાબદુ થઈ દોડતું થયું
જીઆઇડીસીમાં આવેલ ફેકટરીમાં આગ લાગ્યાની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું હતું. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં સ્થાનિક આગેવાનો પણ દોડી ગયા હતા અને બચાવ કામગીરીમાં તંત્રને મદદરૂપ થયા હતા. રાજ્ય સરકારે પણ બનાવની સમીક્ષા કરી હતી જરૂરી મદદની ખાતરી આપી હતી.