વડતાલ દ્વિશતાબ્દી મહામહોત્સવનો રંગેચંગે પ્રારંભ: દેશ-વિદેશથી લાખો હરિભક્તો દર્શનાથે આવશે
નડિયાદ, 7 નવેમ્બર, સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલ ખાતે આગામી 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ખૂબજ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવવાની છે. ત્યારે આજે વહેલી સવારે 7 નવેમ્બરથી વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો શંખનાદ સાથે પ્રારંભ થયો છે. જે અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાશે. હાલ 800 વીઘા જમીન પર 2500 જેટલા સ્વંયસેવકો દ્વારા તેની તડામાર તૈયારી ચાલી રહી છે. મહોત્સવમાં વિવિધ ક્ષેત્રોના મહાનુભવો સહિત સમગ્ર ગુજરાતs, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ દેશ વિદેશના લાખો હરિભક્તો ઉપસ્થિત રહેનાર છે. જેને લઈ વડતાલ સંસ્થા દ્વારા હાલ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની તીર્થધામ વડતાલ ખાતે આજ તારીખ 7 નવેમ્બરથી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો છે. ભગવાન સ્વામિનારાયણ તથા નંદ સંતોની પાવન ચરણરજથી અંકિત થયેલી અક્ષરધામ તુલ્ય દિવ્યભૂમિ વડતાલમાં તારીખ 7થી તારીખ 15 નવેમ્બર સુધી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના લાખો હરિભક્તોનો પ્રચંડ પ્રવાડ વડતાલધામ તરફ શરૂ થયો છે. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને અન્ય સંતોની ઉપસ્થિતિમાં મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં 5 હજાર મહિલાઓએ માથે કળશ અને પોથીયાત્રા લઇને જોડાઇ હતી.
સમગ્ર પોથીયાત્રામાં 10 બગીઓ, શણાગરેલ ટ્રેક્ટરો, 4 ગજરાજ, 30 ઘોડા અને આ ઉપરાંત રામચંદ્ર મ્યુઝીક બેન્ડ, ગોધરા મંદિર બેન્ડ, વીરસદ સત્સંગ મંડળ, નાસીક ઢોલ, બોદાલ ઢોલ, હિમંતનગર બેન્ડ, ભૂંગળોવાળા ૨ મંડળ, જ્ઞાનબાગ ભજનમંડળ, પોથીયાત્રામાં મીલેટરી તોપ (ભુજ) આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મહોત્સવનું દીપપ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, નૌતમ સ્વામી તેમજ અન્ય સંતો અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો….જામનગરના જામ સાહેબ શત્રુશલ્યસિંહજીની તબિયત નાદુરસ્ત : શુભેચ્છકોને કરી આ અપીલ