ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

વડોદરાની દીકરી હેત્વીને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત

  • વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય કરતા બાળકોની વિશિષ્ટ ઉપલબ્ધિઓને આ પુરસ્કાર થકી બિરદાવવામાં આવે છે
  • શારીરિક-માનસિક અક્ષમતા હોવા છતાં હેત્વીએ આત્મવિશ્વાસ થકી ફ્રી હેન્ડ પેઇન્ટિંગ અને પઝલ સોલ્વિંગમાં મહારથ મેળવી

નવી દિલ્હી, 23 જાન્યુઆરી: પ્રમુખ દ્રૌપદી મુર્મુના હસ્તે વડોદરાની હેત્વી ખીમસુરીયાને નવી દિલ્હી ખાતે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો છે. વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય કરતા બાળકોની વિશિષ્ટ ઉપલબ્ધિઓને આ પુરસ્કાર થકી બિરદાવવામાં આવે છે. હેતવીએ સેરેબ્રલ પાલ્સી જેવા ગંભીર રોગના કારણે શારીરિક-માનસિક અક્ષમતા હોવા છતાં આત્મવિશ્વાસ થકી ફ્રી હેન્ડ પેઇન્ટિંગ અને પઝલ સોલ્વિંગમાં મહારથ મેળવી છે. આ ઉપરાંત, પોતાને મળતા માસિક વિકલાંગતા પેન્શનનું મનોદિવ્યાંગ બાળકો માટે દાન કર્યું છે તેમજ ‘સ્પેશિયલ ચાઇલ્ડ એજ્યુકેશન એક્ટિવિટી હેતવી ખીમસૂરીયા’ નામની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. અક્ષમતાને સક્ષમતા બનાવી રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર આ દીકરી પર વડોદરા સહિત ગુજરાતને ગર્વ છે.

national award

ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં પણ હેત્વીનું નામ અંકિત

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ધો. ૮માં અભ્યાસ કરતી ૧૨ વર્ષની હેત્વી કાન્તીભાઇ ખીમસુરિયા જે અસંખ્ય કષ્ટો વેઠીને પોતાની કળા થકી ગુજરાતનું ગૌરવ બની છે. ૭૫ ટકા સેરેબ્રલ પાલ્સી જેવા ગંભીર રોગથી પીડિત હેત્વી બોલવા અને ચાલવામા અસમર્થ છે. આ અગાઉ આ દીકરીએ ગુજરાત બુક ઓફ રેકોર્ડ ૨૦૨૩માં ફ્રી હેંડ પેઇન્ટિંગ, ક્રાફટ અને પઝલ ઉકેલીને ગુજરાતની પ્રથમ દિવ્યાંગ દીકરી તરીકે નામ અંકીત કર્યું હતું.

national award

ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડ ૨૦૨૩માં કલાના ક્ષેત્રમાં મહતમ પ્રમાણપત્રો મેળવ્યા બાદ બ્રેવો ઈન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ ૨૦૨૩માં “વિશ્વની પ્રથમ અસાધારણ કૌશલ્યો ધરાવનાર સી. પી ગર્લ”( ફ્રી હેંડ પેઇન્ટિંગ, ક્રાફટ અને પઝલ સામન્ય જ્ઞાન જાણકાર ) તરીકે નામ અંકિત કર્યું હતું. હેત્વીએ લંડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ ૨૦૨૩માં ૧૦૦ શૈક્ષિણક પઝલ ઉકેલનાર વિશ્વની પ્રથમ સી. પી ગર્લ તરીકે અને  વડોદરા જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ દિવ્યાંગ દીકરી તરીકે “પ્રશસ્તિ પત્ર” મેળનાર પ્રથમ મનોદિવ્યાંગ તરીકે ગુજરાતનાં આરોગ્ય મંત્રીનાં હસ્તે સન્માન મેળવ્યું હતું.

૧૧૦ જેટલાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્રો

૭૫ ટકા દિવ્યાંગતા હોવા છતાં ૧૧૦ જેટલાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા છે. વધુમાં પોતાની કળા થકી માત્ર ૧૨ વર્ષની ઉંમરમાં ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી, શિક્ષણમંત્રી, રમત ગમત તેમજ ગૃહમંત્રીના હસ્તે સન્માન પ્રાપ્ત કર્યુ છે.

યુ-ટ્યુબ ચેનલની માલિક

હેત્વીએ “Special Child Education Activity Hetvi Khimsuriya” નામની પોતાની એક યુ-ટ્યુબ ચેનલની માલિકી ધરાવે છે. આ ચેનલમાં કલાના વીડિયો અપલોડ કરીને ગુજરાતની ૩૦ જેટલી શાળાઓમાં તેનાં વીડિયો બતાવીને બાળકો કલા તરફ વળ્યા છે. હેત્વીએ ભારતની ૫૦ જેટલી આર્ટ ગેલેરીમાં તેનાં ચિત્ર, ક્રાફટ પ્રદર્શન કરી ચૂકી છે.

હેત્વી બાળકો માટે પ્રેરણા સ્ત્રોત સમાન

હેત્વીએ માતા-પિતાનું એક માત્ર દિવ્યાંગ સંતાન છે. તેના પિતા કાંતિભાઈ વડોદરાના દિવ્યાંગ બાળકો તેમજ અનાથ બાળકો માટે વિશેષ કાર્ય કરી રહ્યાં છે. માતાએ પણ પોતાની દિવ્યાંગ દીકરી માટે પોતાની સરકારી નોકરી છોડી દીધી કારણ કે હેત્વી ૫ વર્ષે બેસતાં ૬ વર્ષે વસ્તુ પકડતાં શીખી હતી. હેત્વી ભારત સહિત વિશ્વનાં મનોદિવ્યાંગ બાળકો, દિવ્યાંગ બાળકો અને સામાન્ય બાળકોની પ્રેરણા સ્ત્રોત બની રહી છે. સો સો સલામ હેત્વીને…

આ પણ જુઓ: વડોદરા બોટ દુર્ઘટનાઃ પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, VMCની બેદરકારીની રજૂઆત

Back to top button