કંબોડિયામાં યુવકને ગોંધી રાખી બે હજાર ડોલરની ખંડણી માંગી, વડોદરાના એજન્ટની ધરપકડ
વડોદરા, 29 મે 2024, ભારતીય યુવાનોને કંબોડિયા લઇ જઇ સાયબર ક્રાઈમમાં ધકેલી દેવા મજબૂર કરવાના અને માનવ તસ્કરીના ગુનામાં ઝડપાયેલા મનીષ હિંગૂને આજે અદાલતમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. NIA અને ગુજરાત પોલીસની ગઈ કાલે સયુંકત કાર્યવાહી કરાઈ હતી. દેશભરમાં 6 રાજ્યોના પંદર સ્થળો ઉપર થયેલી આ કાર્યવાહીમાં વડોદરાના મનીષ હિંગૂની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અને NIAની તપાસ દરમ્યાન ત્રણ ઈસમો ભારતમાં અને એક કંબોડિયામાં રહીને આખુ રેકેટ ચલાવતા હતા. ક્રાઇમ બ્રાન્ચે આજે આરોપી મનીષને અદાલતમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વડોદરાના આ આરોપીએ એક યુવકને કંબોડિયામાં 34 દિવસ ગોંધી રાખીને બે હજાર ડોલરની ખંડણી માંગી હતી.
આરોપીને કોર્ટમાં રજૂ કરાયો સાત દિવસના રિમાન્ડ મંજૂર
NIA અને ગુજરાત પોલીસ દ્વારા સોમવારે વડોદરાના સુભાનપુરામાં યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસ નામની ઓફિસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ઓડિસાના દીનબંધુ સાહુને 1.50 લાખ રૂપિયા લઇને વિયેતનામમાં કોમ્પ્યુટરની નોકરીના બહાને મોકલી આપ્યો હતો. ત્યાંથી ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરાવી કંબોડિયા લઇ ગયા હતા અને ત્યાં એની પાસે સાયબર ક્રાઈમ કરવા માટે દબાણ કરાયું હતું. ભારત પરત આવી દીનબંધુએ NIA તેમજ વડોદરા પોલીસને મેઇલ કરી પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે વિગતવાર ઇમેલ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આજે આરોપી મનીષને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
યુનિક એમ્પ્લોયમેન્ટ દ્વારા 200 યુવકોને ગુલામ બનાવ્યા
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસ દ્વારા ચલાવાતા માનવ તસ્કરીના કૌભાંડમાં ચાર ઈસમો સંડોવાયેલા છે. જેમાં મનીષ હીંગૂ, એજન્ટ ક્રિષ્ણા પાઠક, કંબોડિયાનો એજન્ટ વિક્કી ઉપરાંત આનંદ વિશ્વકર્મા પણ સામેલ છે. પોલીસે એમના ઘર અને ઓફિસની તપાસ દરમ્યાન 57 પાસપોર્ટ જપ્ત કર્યા છે અને અત્યાર સુધી 200 લોકોને વિદેશ મોકલી માનવ તસ્કરી કરી છેતરપિંડી કરી છે.
એજન્ટો 2000 ડોલર કમાવવા માનવ તસ્કરીનો ખેલ ખેલતા
આ સમગ્ર કેસમાં મુખ્ય સૂત્રધાર બિહારનો ક્રિષ્ના પાઠક અને કંબોડિાનો વીક્કી છે. કંબોડિયામાં તેમનું ચાઈનીઝ ઠગોનું સામ્રાજ્ય છે. સાયબર ફ્રોડમાં 60 ભારતીયોનો ઉપયોગ કર્યો હોવાનો ખુલાસો થયો હતો. ભારત અને કંબોડિયાનાં એજન્ટો 2000 ડોલર કમાવવા માનવ તસ્કરીનો ખેલ ખેલતા હતા.ભારતીય યુવકોને તેમના કામ બાબતે અંધારામાં રાખવામાં આવે છે. પોલીસથી બચવા ઓનલાઈન ઠગો ભારતીય યુવકોને નવો મોબાઈલ આપે છે. યુવકોને વિયેતનામ અને થાઈલેન્ડના સીમકાર્ડ આપે છે. જે લોકો કમાવી આપે તેમને પ્રોત્સાહન મળે છે. જે ભારતીય યુવકો રેકેટમાં સગયોહ નથી આપતા તેમના પર અસહ્ય ત્રાસ ગુજારાય છે.આ સમગ્ર મામલે NIA દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે. તેમજ NIAની ટીમ ફરી વડોદરા આવશે.
આ પણ વાંચોઃગુજરાતમાં સરકારી યોજનાના નામે સાયબર ગઠિયાઓ સક્રિય, જો જો છેતરાતા નહિ