હરિયાણા અકસ્માતમાં મૃત્યુ પામેલા અમદાવાદના પોલીસકર્મીના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાયા

- મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરાયા બાદ પાર્થિવ દેહને તેઓના ઘરે લઈ જવામાં આવ્યાં
- ત્રણેય મૃતકના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાશે
- પીએઆઇ જે.પી.સોલંકીને ગંભીર ઇજાઓ થઇ હતી હાલમાં તે સારવાર હેઠળ છે
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને ત્રણ પોલીસકર્મી પોક્સોના ગુનાની તપાસ માટે પંજાબ જતા હતા. જ્યાં બુધવારે (26 માર્ચ) હરિયાણાના ડબવાલી ખાતે ભારતમાલા રોડ ઉપર પોલીસને બોલેરો અને ટ્રક અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ પોલીસકર્મીના ઘટનાસ્થળ જ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે પીએઆઇ, જે.પી.સોલંકીને ગંભીર ઇજાઓ થઇ હતી હાલમાં તે સારવાર હેઠળ છે.
અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કર્મચારીઓને પોલીસ તપાસ દરમિયાન હરિયાણા ખાતે અકસ્માત નડતા કર્મચારીઓ શહીદ થયેલ હોય જેઓને આજ રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ મુખ્ય મથક, શાહીબાગ, અમદાવાદ શહેર ખાતે શોક સલામી બાદ પુરા સન્માન સહિત આખરી વિદાય આપવામાં આવેલ.… pic.twitter.com/DSHZd72PBr
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) March 28, 2025
મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરાયા બાદ પાર્થિવ દેહને તેઓના ઘરે લઈ જવામાં આવ્યાં
આ ત્રણેય મૃતકના પાર્થિવ દેહને અમદાવાદમાં લાવવામાં આવ્યાં હતાં અને પોલીસ કમિશનર સહિતના પોલીસકર્મીઓ અને મૃતકોના પરિવારજનો દ્વારા તમામ મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરાયા બાદ પાર્થિવ દેહને તેઓના ઘરે લઈ જવામાં આવ્યાં હતાં. મૃતક પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિતના મૃતદેહને એમ્બ્યુલન્સમાં તાપી ખાતે લઈ જવામાં આવ્યો છે. તાપી ખાતે જિલ્લા પોલીસ વડા દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાયા છે. આ ઉપરાંત ડ્રાઇવર ઘનશ્યામ ભરવાડ અને હોમગાર્ડ રવિન્દ્રસિંહ ક્ષત્રીયના પાર્થિવ દેહને પણ સિટીએમ અને સિંગરવા તેઓના ઘરે લઈ જવાયા છે. બંનેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
જાણો શું છે મામલો
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં પોક્સોનો ગુનો નોંધાયો હતો, આ કેસમાં આરોપી પંજાબમાં છૂપાયો હોવાની માહિતી આધારે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને નવા નરોડા ખાતે રહેતા પીએસઆઇ જયેન્દ્રસિંહ પ્રવીણસિંહ સોલંકી તથા અમરાઇવાડી જુની પોલીસ લાઇનમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામીત અને રામોલ ભરવાડ વાસમાં રહેતા ઘનશ્યામભાઇ ભરવાડ તેમજ ઓઢવ સિંગરવા ગામમાં રહેતા હોમગાર્ડ જવાન રવિન્દ્રસિંહ ક્ષત્રિય સાથે પોલીસની બોલેરા ગાડી લઇને તપાસ માટે પંજાબ જવા રવાના થયા હતા. જ્યાં બોલોરે કાર સાથે હરિયાણા સિરસા જિલ્લાના ડબવાલી ખાતે ભારત માલા રોડ ઉપરથી પસાર થતાં હતા. આ દરમિયાન પૂર ઝડપે આવી રહેલી સ્ટેશનરી ભરેલી ટ્રકના ચાલકે ટક્કર મારતાં ગુજરાત પોલીસની બોલેરો ગાડીને કચ્ચરઘાણ વળી ગયો હતો. જેના કારણે કારમાં સવાર હોમગાર્ડ સહિત ત્રણ પોલીસકર્મીના સ્થળ ઉપર મૃત્યુ થયા હતા, જ્યારે પીએસઆઇ જે.પી.સોલંકીને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેઓએે ત્યાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.