વડોદરા : ભાજપ કોર્પોરેટરનો કાર્યક્રમ બંધ કરાવનાર PIની 24 કલાકમાં જ બદલી, આતો કેવો નિયમ ?
ચૂંટણી વચ્ચે વડોદરાથી એક વિવાદ સામે આવી રહ્યો છે. જેમાં એક કોર્પોરેટર સાથે વિવાદ થતાં માંજલપુરના PI વી.કે. દેસાઇની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે. માંજલપુર વિસ્તારના ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલના જાહેર કાર્યક્રમને વી.કે. દેસાઇએ બંધ કરાવ્યો હતો જેના પછી સમગ્ર ઘટના સામે આવી છે.
આ પણ વાંચો : સુરતમાં ભાજપના લોકપ્રતિનિધિએ અધિકારીઓ સાથે કરી દાદાગીરી, વિડીયો વાયરલ
ઘટના કંઈ એમ બની હતી કે, વડોદરા શહેરના વોર્ડ નંબર 18ના કોર્પોરેટર કલ્પેશ પટેલે તેમના ટ્રસ્ટ દ્વારા એક ધાર્મિક કાર્યક્રમ અને સાથે જ ડાયરાના કાર્યક્રમનું આયોજન પણ કર્યુ હતુ. આ કાર્યક્રમ જાહેર સ્થળ પર રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માટે તેમને મંજુરી આપવામાં આવી ન હતી. ચાલુ કાર્યક્રમમાં PI વી.કે. દેસાઈએ સ્ટેજ પર આવી લાઉડ સ્પીકરમાં મહેમાનોને જતા રહેવા માટે અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં સ્ટેજ પર વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજી મહારાજ પણ બિરાજમાન હતા, તેઓ પણ PIની વિનંતીને પગલે સ્ટેજ છોડી જતા રહ્યા હતા. કોર્પોરેટરના કારણે ધર્મગુરૂને પણ કડવો અનુભવ થયો હતો.જો કે ઘટનાના ગણતરીના કલાકોમાં માંજલપૂર પોલીસ મથકના પીઆઇ વી કે. દેસાઇની બદલી કરી દેવામાં આવી છે. તેઓને સ્પેશિયલ બ્રાન્ચમાં મુકી દેવામાં આવ્યા છે.
વિવાદોથી ભરેલો છે કલ્પેશ પટેલનો ઈતિહાસ
સમગ્ર ઘટના અંગે કોર્પોરેટર કલ્પેશ પટેલે પોતાનો લુલો બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે, કાર્યક્રમની મંજૂરીનો લેટર બંધ કવરમાં મળ્યો હતો. જેને જોવાનો પણ બાકી છે. મહત્વનું છે કે કોર્પોરેટર કલ્પેશ પટેલે અગાઉ શાળામાં પરમિશન વગર કાર્યક્રમ કરતા પાલિકાએ ફી ભરાવી હતી. ઉપરાંત એક વખત વોર્ડ ઓફિસમાં લેંઘો ઉતારી તેઓ ઉભા રહી ગયા હતા જેના કારણે પણ ખૂબ વિવાદ થયો હતો.
આ પણ વાંચો : બનાસકાંઠા : શ્રી રાજપુત કેળવણી સહાયક મંડળને GNM અને BSC નર્સિંગ કોલેજની મંજૂરી