વડોદરા શહેરના ડભોઈ રોડ પર આવેલા કપુરાઈ ચાર રસ્તા પાસે કાન્હા આઇકોનમાં રહેતા શિક્ષક પરિવાર સાથે રહસ્યમય ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુમ થનાર શિક્ષકના ભાઈને સાથે રાખી મકાન ખોલ્યું હતું. મકાનમાંથી પોલીસને એક 10 પાનાની અને બીજી 3 પાનાંની એમ બે ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં શિક્ષકે ‘અમારા મોત માટે નિરવ ભૂવા, રાહુલ ભૂવા, બિટ્ટુભાઇ અને અલ્પેશ મેવાડા જવાબદાર છે’ આ ઉપરાંત અન્ય ચોંકાવનારી વિગતો લખી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસને મકાનમાંથી શિક્ષક પરિવારના ચાર સભ્યોના મોબાઇલ ફોન મળી આવ્યા છે. હાલ પોલીસ દ્વારા પરિવારને સહીસલામત શોધી કાઢવા માટે ચાર ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
ધંધામાં ખોટ જતાં આર્થિક ભીંસમાં સપડાયા
વડોદરાના કપુરાઈ ચોકડી પાસે કાન્હા આઈકોનમાં ત્રીજા માળે 303 નંબરના મકાનમાં રાહુલ જોશી પત્ની નીતાબેન, પુત્ર પાર્થ અને પુત્રી પરીબેન રહેતાં હતાં. મૂળ ભાવનગરના દૂધાળાના વતની રાહુલ જોશી સ્કૂલમાં હંગામી શિક્ષક હતા અને ટ્યૂશન કરાવતા હતા. તેઓએ તેમનો ફલેટ મોર્ગેજ મૂકીને 29 લાખ રૂપિયાની લોન લીધી હતી. આ લોન નિરવના નામે લીધી હતી. હોટલના ધંધા માટેની લોન લીધા બાદ ધંધો ન ચાલતા આર્થિક ભીંસ શરૂ થઇ હતી. એક બાજુ મકાનનો હપ્તો અને બીજું ધંધા માટે લીધેલી લોન બંનેના હપ્તા ચાલુ થતાં તેઓ આર્થિક ભીંસમાં આવી ગયા હતા.
29 લાખની લીધી હતી લોન
જેથી બંને જણાં 50-50 ટકા હપ્તા ભરતા હતા. ગત મંગળવારે રાહુલભાઈના મોટા ભાઈ પ્રણવ જોશી (ડભોઈ)ના ફોન પર સંબંધીઓએ કોલ કર્યા હતા કે, રાહુલ જોશીનો ફોન લાગતો નથી. જેથી પ્રણવભાઈ વડોદરા દોડી આવ્યા હતા અને રાહુલના ઘેર પહોંચતાં ઘર બંધ હતું. ત્યારબાદ પ્રણવ જોશીએ પાણીગેટ પોલીસને રાહુલ જોશીનો પરિવાર ગુમ થયો હોવાની અરજી આપી હતી. પાણીગેટ PSI આર. એચ. સિદ્દીએ જણાવ્યું હતું કે, જે ફલેટમાં શિક્ષક રહેતા હતા, તેમના મકાન સામે 29 લાખની લોન ચાલુ છે, જે નિરવના નામે છે. તેની પૂછપરછ કરાઈ છે, પણ ફરી તેની પૂછપરછ કરાશે.
ઘરમાંથી ચિઠ્ઠીઓ મળી
રહસ્યમય ગુમ થયેલા શિક્ષક રાહુલ જોશી અને તેમના પરિવારની કોઇ ભાળ ન મળતાં આજે પાણીગેટ પોલીસ મથકના PSI આર.એચ. સિદ્દીએ શિક્ષકના ભાઇ પ્રણવભાઇને સાથે રાખી મકાન ખોલાવ્યું હતું. મકાન ખોલતાં એક કલાકનો સમય લાગ્યો હતો. મકાન ખોલતાંની સાથે જ મુખ્ય હોલમાં પડેલી ટિપોઇ ઉપર એક 10 પાનાં અને બીજી 3 પાનાંની ચિઠ્ઠી મળી પોલીસને મળી આવી હતી. તે સાથે પોલીસને મકાનમાંથી પરિવારના તમામ ચાર સભ્યોના મોબાઇલ ફોન મળી આવ્યા હતા. તે ફોન પણ પોલીસે કબજે કર્યાં હતા.
પોલીસે ચાર ટીમો બનાવી શરૂ કરી તપાસ
શિક્ષક રાહુલ જોશીએ પોતાની સોસાયટીના આઠથી દસ જેટલા સભ્યો પાસે પણ નાણાકીય વ્યવહાર કર્યો હતો. આ ઉપરાંત તેઓએ બહારના ચાર જેટલા વ્યક્તિઓ પાસેથી પણ નાણાકીય વ્યવહાર કર્યો હતો. ઉઘરાણીએ આવતા લોકોથી બચવા માટે રાહુલભાઈ મોડી રાત્રે ઘરે આવતા હતા અને વહેલી સવારે ઘરેથી નીકળી જતા હતા. શિક્ષક રાહુલ જોષી પાસે કોઇ માર્ગ ન રહેતા તેઓ પરિવાર સાથે ક્યાંક ચાલ્યા ગયા છે. પોલીસે પરિવારને સહીસલામત શોધવા માટે ચાર ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
પરિવાર મળ્યા પછી ચોક્કસ માહિતી મળશે
પોલીસે મળી આવેલી ચિઠ્ઠીઓમાં ચાર વ્યક્તિઓ નિરવ ભૂવા, રાહુલ ભૂવા, બિટ્ટુભાઇ અને અલ્પેશ મેવાડા અમારા મોત માટે જવાબદાર છે, તેઓને સજા અપાવજો. તેવું લખ્યું છે. પોલીસ ચિઠ્ઠીઓના આધારે એવું અનુમાન લગાવી રહી છે, શિક્ષક રાહુલ જોશી આર્થિક ભીંસમાં આવી જતાં અને લેણદારોથી ત્રાસીને કોઇક જગ્યાએ ચાલ્યા ગયા છે. તેઓ સહીસલામત પરત આવ્યા બાદ જ ચોક્કસ માહિતી મળશે.